સમસ્યાનું મુખ્ય કારણ ‘ઈ-ઓળખ’ પોર્ટલ પરથી કેન્દ્ર સરકારના ‘સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ’ (CRS) પોર્ટલમાં ડેટા ટ્રાન્સફર કરવાની ચાલી રહેલી કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જન્મ-મરણના દાખલા કઢાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી, કચેરીમાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ સમસ્યાનું મુખ્ય કારણ ગુજરાત સરકારના ’ઈ-ઓળખ’ પોર્ટલ પરથી કેન્દ્ર સરકારના ’સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ’ (ઈછજ) પોર્ટલમાં ડેટા ટ્રાન્સફર કરવાની ચાલી રહેલી કામગીરી છે. જેને લઈને 2020 થી 25 વચ્ચે થયેલી નોંધણીનાં દાખલા મેળવવા આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર જન્મ-મરણની તમામ કામગીરીને ડિજિટલ સ્વરૂપમાં લાવવામાં આવી છે. આ માટે હવે તમામ નોંધણી અને પ્રમાણપત્રોની કામગીરી કેન્દ્ર સરકારના વેબ-આધારિત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (ઈછજ) પોર્ટલ પર કરવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ડિજિટલ માધ્યમથી સરળતાથી પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાવવાનો છે.ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની આ પહેલ સ્વીકારી છે અને 1 સપ્ટેમ્બર 2025થી નવા પોર્ટલ પર કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ પણ આ સિસ્ટમ અપનાવીને કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, સમસ્યા એ છે કે વર્ષ 2020 થી 2025 દરમિયાન રાજ્ય સરકારના ’ઈ-ઓળખ’ પોર્ટલ પર જે ડેટાની એન્ટ્રી કરવામાં આવી હતી, તેને હવે નવા ઈછજ પોર્ટલમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ડેટા ટ્રાન્સફરની કામગીરી ચાલુ હોવાને કારણે જૂના ડેટા સાથે સંબંધિત કામકાજમાં વિલંબ થઈ રહ્યો છે. અને તેના પરિણામે અરજદારોને મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટેકનિકલ સમસ્યાના કારણે હાલમાં ખાસ કરીને 2020 થી 2025ના સમયગાળા દરમિયાન થયેલા જન્મ-મરણની નોંધણીના દાખલા મેળવવામાં લોકોને વિલંબ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપાનાં અધિકારીએ જણાવ્યા અનુસાર હાલ ડેટા ટ્રાન્સફરની કામગીરી કરવામાં આવી રહી છે. જે પૂર્ણ થતાની સાથે જ જન્મ-મરણ વિભાગની કામગીરી ફરી રાબેતા મુજબ થઈ શકશે. ત્યારે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે અને લોકોની સમસ્યા દૂર થશે તે આવનારો સમય જ બતાવશે.



