15 દિવસને બદલે 1 દિવસમાં રિપોર્ટ મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
- Advertisement -
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઝીકા વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસ મોટાભાગે મચ્છરથી ફેલાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ગુજરાતની પ્રથમ રાજકોટ એઇમ્સમાં ઝીકા વાયરસના ટેસ્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે. માટે હવે ઈંઈખછ દ્વારા ઝીકા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ કરવા મંજૂરી રાજકોટ એઇમ્સને આપવામાં આવી છે. પહેલા સેમ્પલ પુણે મોકલવામાં આવતું હતું અને રિપોર્ટ આવતા વાર પણ લાગતી હતી. જો કે, હવે ઘરઆંગણે ટેસ્ટિગની શરૂઆત કરવામાં આવી છે. પુણેથી રિપોર્ટ આવતા 15 દિવસ તો ક્યારેક મહિનાની વાર લાગતી હતી, પણ હવે એક જ દિવસમાં રિપોર્ટ મળી જશે.
ટેસ્ટિંગ માટે કીટ મગાવી લેવાઈ
એઇમ્સ રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિકલ માઈક્રોબાયોલોજી HOD અને એઇમ્સના રિસર્ચ ડીન ડો. અશ્ર્વિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ એઇમ્સ દ્વારા ICMR પાસે માગણી કરવામાં આવી હતી કે, રાજકોટ એઇમ્સ ઝીકા વાયરસનું ટેસ્ટિંગ કરવા માટે સક્ષમ છે તો આ માટે મંજૂરી આપવા વિનંતી. જે માગને માન્ય રાખી રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને ટેસ્ટિંગ માટે અમદાવાદ કે પુણે સુધી સેમ્પલ મોકલવા ન પડે તેનું ધ્યાન રાખી રાજકોટ એઈમ્સને ઝીકા વાયરસ ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. ગત સપ્તાહ દરમિયાન મંજૂરી મળ્યા બાદ હાલ ટેસ્ટિંગ માટે કીટ મગાવી લેવામાં આવી છે. જો કે, હજુ સુધી કોઈ ટેસ્ટિંગ થયું નથી. પરંતુ હવે રાજકોટ કે સૌરાષ્ટ્રના કોઈ દર્દીને લક્ષણો જણાય તો તેમનું સેમ્પલ રાજકોટ એઇમ્સ ખાતે પરીક્ષણમાં મોકલી રિપોર્ટ મેળવી શકાશે.