સ્ટોલ માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: સાંજ સુધીમાં વધુ ને વધુ ફોર્મ ઉપડવાની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી તા. 17 ઓગસ્ટથી પાંચ દિવસના ભાતીગળ લોકમેળાનું આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. કોરોના કાળના બે વર્ષ બાદ યોજાઈ રહેલા લોકમેળામાં સ્ટોલ પ્લોટ માટે ઝડપથી ફોર્મ ઉપડી રહ્યા છે. આજે ફોર્મ આપવાનો અંતિમ દિવસ છે. આજ સાંજ સુધીમાં અંદાજે 2000થી વધુ ફોર્મ ઉપડ્યા હોવાનું લોકમેળા આયોજક સમિતિ દ્વારા જાણવા મળ્યું હતું અને આગામી તા. 27થી ડ્રો અને હરાજીની કાર્યવાહી શરૂ થશે. 338 પ્લોટ – સ્ટોલ સામે અત્યાર સુધીમાં ચારગણા ફોર્મ ભરાયા છે અને આજે છેલ્લાં દિવસે પણ વધુ ફોર્મ ઉપડવાની શક્યતાઓ છે.
- Advertisement -
વધુમાં રાજકોટના લોકમેળાનું નામકરણ કરવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકો પાસેથી કલેકટર તંત્ર દ્વારા સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. લોકમેળામાં સ્ટોલ, યાંત્રિક રાઈડ્સ, ખાણી-પીણી અને આઈસ્ક્રીમ ચોકઠા માટે મોટી સંખ્યામાં ફોર્મ ઉપડ્યા છે તથા રાજકોટના લોકમેળાને વધુ લોકાભિમુખ બનાવવા માટે સ્થાનિક તંત્રએ લોકમેળાના નામ માટે ખાસ ઈનામ જાહેર કર્યું છે અને લોકો પાસેથી નામ મંગાવવામાં આવ્યા છે. તેમાં પસંદ થયેલી વ્યક્તિને ઈનામ આપવામાં આવશે.