ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
લોકસભાની ચૂંટણીનું રણ સિંગુ ફૂંકાઈ ગયું છે. ત્યારે હજુ પણ જુનાગઢ સીટ પર ઉમેદવારોની પસંદગીને લઈ કોંકડું ગૂંચવાયું છે. ત્યારે લોહાણા મહા પરિષદ દ્વારા લોહાણા સમાજના આગેવાનને જૂનાગઢ લોકસભાની સીટ ફાળવવામાં નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરાય છે. લોહાણા મહા પરિષદના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી સતીશ વિઠલાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી સમાજના વ્યક્તિને ટિકિટ આપવા માટે માંગ કરી છે.
- Advertisement -
ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી માટે લોકસભાના ઉમેદવારની પસંદગી માટે તારીખ 28 ફેબ્રુઆરી 2020 ના પત્ર લખી સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી. હાલમાં ચૂંટણી પંચે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરેલી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં 26 માંથી 22 લોકસભા સીટ પર ઉમેદવારો જાહેર કરેલ છે.લોકસભાની 4 સીટ પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. રાજ્યમાં અન્ય સીટ પર તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપેલ છે. પરંતુ ફક્ત ગુજરાતમાં જ લોહાણા સમાજનું પ્રતિનિધિત્વ કરવાનું ખૂટે છે. ત્યારે બાકી રહેતી 4 સીટો પર જૂનાગઢની સીટ પર લોહાણા સમાજના પ્રતિનિધિને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી જાહેર કરવામાં આવે.તેવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જુનાગઢ ખાતે સામાજિક સેવાઓ અને તમામ જ્ઞાતિઓમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતા લોહાણા સમાજના ઘણા આગેવાનો છે. જે બાબત ધ્યાનમાં રાખી જુનાગઢ લોકસભાની સીટ પર ભાજપ તરફથી લુહાણા સમાજના વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવે. લોહાણા સમાજ 35 લાખની વસ્તી ધરાવે છે. ત્યારે લોહાણા સમાજમાં દરેક સભ્યોમાં નવી ઉત્તેજના અને ચેતનાનો સંચાર થશે અને લોહાણા સમાજ આ નિર્ણયથી કાયમી ઋણી રહેશે તેવું લોહાણા મહાપરિષદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરવામાં આવી છે.