જૂનાગઢ શહેર બન્યું ‘ખાડા નગરી’
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ શહેરના રસ્તાઓની બિસ્માર હાલતથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર, પાણી અને ગેસ લાઈન નાખવા માટે રસ્તાઓ ખોદીને યોગ્ય રીતે સમારકામ ન થતા ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે લોકો હવે જૂનાગઢને “ખાડા નગરી” તરીકે ઓળખવા લાગ્યા છે.
ગંભીર સમસ્યા અને અનોખો વિરોધ: શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગિરિરાજ સોસાયટી વિસ્તારના મુખ્ય માર્ગની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકોની ધીરજ ખૂટી છે. તેમણે ખાડામાં એક બોર્ડ લગાવીને મહાનગરપાલિકાના તંત્ર અને શાસકો સામે અનોખો વિરોધ દર્શાવ્યો છે. આ બેનરમાં ભાજપના કમળનું ચિહ્ન ઊંધું દર્શાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે કદાચ આ જોઈને નેતાઓ કે અધિકારીઓ ઊંઘ માંથી જાગે અને શહેરમાં જે બિસમાર રસ્તાઓ અને ખાડાના લીધે જે સ્થાનિક લોકો પરેશાન થાય છે તે ધ્યાને આવે અને કંઈક સ્થાનિક લોકોનું ભલું થાય અને જે જૂનાગઢ શહેરની ખાડા નગરીની છાપ પડી છે તેમાંથી બહાર આવે તેવો સ્થાનિક લોકોએ અનોખો વિરોધ દર્શાવી નેતાઓને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.
- Advertisement -
મનપાની કામગીરી પર સવાલ: વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાઓ પર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું પેચ વર્ક પણ અનેક જગ્યાએ ઉખડી ગયું છે અને ખાડાઓ ફરીથી જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ આ સમસ્યા પ્રત્યે ગંભીર નથી. કામગીરીની ધીમી ગતિને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને અકસ્માતનો ભય રહે છે અનેકવાર તો સ્થાનિક લોકો આ ખાડા પડ્યાના બનાવો પણ સામે આવ્યા છતાં મનપા દ્વારા કોઈ ઝડપી પરિણામ આવ્યું નથી.
એક બે રખડતા ઢોર નહીં પણ ઝુંડના ઝુંડ પશુઓ રસ્તા પર
જૂનાગઢ શહેરની એક બે નહિ અનેક સમસ્યા જોવા મળે છે શહેરમાં બિસમાર રસ્તોઓ, ખાડાથી ભરેલા રોડ અને હવે રખડતા પશુઓ જાહેર માર્ગો પર એક બે નહિ પણ ઝુંડના ઝુંડ જોવા મળે છે આ દ્રશ્ય છે ગિરનાર દરવાજા પાસેનું આ માર્ગ ભવનાથ તરફ જવાનો છે પણ મુખ્ય માર્ગ પર પશુના ઝુંડ જોવા મળે છે ત્યારે બહારથી ગિરનાર યાત્રા કરવા આવતા પ્રવસીઓ પણ આ રખડતા ઢોરના મુખ્ય માર્ગો પર અડિંગો જમાવી બેઠેલા જોઈને જૂનાગઢની એક ખાસ અનોખી યાદી લઈને જાય છે. બીજી તરફ મહાનગર પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી જાણે કરવા પૂરતી હોઈ તેમ જોવા મળે છે.