વાગડ ચોકડી પાસે ખાડા બૂરો મદદ સદસ્યતા અભિયાનના લાગ્યા પોસ્ટર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારે વરસાદના પગલે રાજ્યભરમાં રોડ-રસ્તાની હાલત બિસ્માર થઇ છે. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં ખાડાઓ પડતાં સ્થાનિકો પરેશાન થયાં છે. ત્યારે શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલી વાગડ ચોકડી આસપાસ રહેતા રહિશો દ્વારા અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા ખાડા બૂરો મદદ સદસ્યતા અભિયાનના પોસ્ટર પાણી ભરેલા ખાડામાં લગાવવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર એક ઇંચ વરસાદમાં જ વગડ ચોકડી ખાતે વરસાદી પાણી ગોઠણ સમા ભરાઈ જાય છે. તેમજ અહીંયા ખાડા એટલા છે કે રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર ખાડારાજ થવાના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંયાથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો રસ્તો છે જેના કારણે પણ અહીંયા મસ મોટા ખાડા પડયા છે.
મહાનગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ પણ કોઈ નિવેડો નથી આવ્યો. જ્યારે જ્યારે મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા માત્ર મોરમ નાખીને સંતોષ માની લેવામાં આવે છે. અગાઉ જ્યારે વગડ ચોકડી વિસ્તાર જ્યારે જિલ્લા પંચાયતમાં આવતું હતું. ત્યારે અહીં સારા રોડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયા બાદ અહીંયા કોઈપણ જાતની સુવિધા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં નથી આવી. અગાઉ ખુદ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી કબૂલી ચૂક્યા છે કે, વગડ ચોકડી વિસ્તાર અમારા ધ્યાનમાં રહી ગયો છે.