ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ શહેરના સ્વસ્તિક નગર – નંદનવન વિસ્તારમાં એક મકાનના વેચાણને લઈ સ્થાનિક હિન્દુ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હિન્દુ વસવાટ ધરાવતી આ સોસાયટીમાં અન્ય જ્ઞાતિ કે ધર્મના લોકોને મકાન પધરાવી દઈ વિસ્તારની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગીતાબેન જીતુભાઈ સોલંકીના નામે રહેલા એક મકાન પર હાઉસિંગ ફાઇનાન્સમાંથી લોન લેવામાં આવી હતી. લોન ન ભરાતા ફાઇનાન્સ કંપનીએ મકાન સીલ કર્યું છે. આક્ષેપ છે કે બેંક મેનેજર અને દલાલોની મિલીભગતથી 6 થી 7 લાખની કિંમતના મકાન પર ઊંચી લોન મેળવી, હવે તે અન્ય ધર્મના લોકોને ઊંચા ભાવે વેચવાની પેરવી કરવામાં આવી રહી છે. જ્યારે કોઈ હિન્દુ પરિવાર મકાન ખરીદવા જાય, ત્યારે મેનેજર દ્વારા 12 થી 13 લાખ જેવી મોટી રકમ જણાવી તેમને દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે. આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે, અન્ય ધર્મના લોકોના વસવાટ અને તેમની રહેણીકરણીને કારણે સ્થાનિક હિન્દુ પરિવારો અસહજતા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે, આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે અશાંતધારો લાગુ કરવામાં આવે. સોસાયટીના મકાનો માત્ર હિન્દુ પરિવારોને જ વેચાય તે સુનિશ્ચિત કરવામાં આવે. આ બાબતે કલેક્ટરને આવેદન આપીને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



