સુરેન્દ્રનગર મનપાનો દરજ્જ છતાં સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી વંચિત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
રાજ્યના દરેક નાગરિક પ્રાથમિક સુવિધા મેળવવા માટે અને અહીંનું તંત્ર સ્થાનિકોને પ્રાથમિક સુવિધા માટે કટિબધ્ધ છે આ વાતો માત્ર સ્ટેજ પરથી સંભાળવામાં જ સારી લાગે છે પરંતુ ખરેખર પરિસ્થિતિ કંઈક જુદી જ નજરે પડે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓને હાલમાં જ મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આમાંથી મોટા ભાગના મહાનગરપાલિકાના વિસ્તારોમાં આજેય પ્રાથમિક સુવિધા મેળવવી સ્થાનિકો માટે ખૂબ જ કઠિન છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની હદમાં આવતા કેટલાક વિસ્તારોની પણ આવી જ કંઈક હાલત જોવા મળે છે જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં આવ્યા છતાં પણ આ વિસ્તારોના રહીશોને પ્રાથમિક સુવિધા માટે વલખા મારવા પડે છે જેમાં દુધરેજ ખાતે રહેતા સ્થાનિકોએ તો પ્રાથમિક સુવિધા નહીં મળતા રોડ ચક્કાજામ કરવાની નોબત આવી હતી.
- Advertisement -
ગઈ કાલે સોમવારે દુધરેજ વિસ્તારના સ્થાનિકોને પોતાના રહેણાક મકાન ખાતે પીવાનું પાણી ગટરનુ આવતું હોવાનો આક્ષેપ કરાયો હતો જેમાં સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે રહેણાક વિસ્તારોમાં રહેતા સ્થાનિકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી આવતું હોવાથી ખુબ જ દુર્ગંધ આવે છે અને આ પ્રકારની સ્થિતિ છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહી છે આ ભાર ઉનાળે પાણીની ખૂબ જ જરૂરિયાત ઉભી થાય છે તેમાંય સમયાંતરે નહીં આવતા પીવાનું પાણી ગટરના ગંદા પાણી યુકત આવતું હોવાથી સ્થાનિકોને આ પાણી પણ ઉપયોગી થતું નથી જે અંગે અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન નહીં આપતા અંતે દુધરેજ વિસ્તારના સ્થાનિકો દ્વારા સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા હાઇવે ચક્કાજામ કર્યો હતો જ્યારે આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે જતા સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું. ત્યારે પ્રાથમિક સુવિધા માટે હવે સુરેન્દ્રનગરના સ્થાનિકોને આંદોલન કરવા પડે તે મહાનગરપાલિકા માટે કેટલા અંગે યોગ્ય કહેવાય ? તેવો પ્રશ્ન મનપાના સત્તાધીશો સામે દરેક રહીશો દ્વારા ઉઠાવાયો છે.



