તૂટેલા નાળા અને બિસ્માર રસ્તાની રજૂઆત બાદ કાર્યવાહી ન થતાં મહિલાઓએ રામધુન બોલાવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.15
મોરબીમાં નગરપાલિકાનું નિંભર તંત્ર નાગરિકોની રજૂઆતને કાને ન ધરતું હોવાથી હવે સ્થાનિકો આંદોલનનું શસ્ત્ર ઉગામવા મજબૂર બન્યા છે. આજે સાંજે મોરબીના દલવાડી સર્કલ ખાતે સ્થાનિક રહીશોએ તૂટેલા નાળા અને બિસ્માર રસ્તાના પ્રશ્ને ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનને કારણે બાયપાસ રોડ પર ભારે વાહનો સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
- Advertisement -
દલવાડી સર્કલ આસપાસની સોસાયટીઓ અને વાડી વિસ્તારના રહીશોએ અગાઉ તંત્રને તૂટેલા નાળા અને ખરાબ રસ્તા અંગે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. જેના પગલે આજે સાંજે સ્થાનિકોએ રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો અને મહિલાઓએ રામધુન બોલાવીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ભારે વાહનોની સતત અવરજવર ધરાવતા આ બાયપાસ રોડ પર ચક્કાજામને કારણે વાહનોના પૈડા થંભી ગયા હતા. તંત્ર તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગણી સાથે સ્થાનિકોએ આંદોલન ચાલુ રાખ્યું હતું.