મનપા ધૂળના ઢેફાં અને કટાઈ ગયેલા લોખંડથી બનાવી રહી છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ
સ્માર્ટ સિટીની ગટરો અને ટનલોમાં વાપરવામાં આવી રહ્યું છે કટાઈ ગયેલું લોખંડ
સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે રાજકોટ મનપા અને અધિકારીઓ લોકોને ઉલ્લું બનાવીને સ્માર્ટ સિટી નથી બનાવી રહી પરંતુ સ્માર્ટ કૌભાંડ કરી રહી છે. રાજકોટ શહેરમાં મનપા રૈયા રોડ ઉપર નવું રેસકોર્ષ અને સ્માર્ટ સિટી બનાવી રહી છે. 550 કરોડના આ પ્રોજેક્ટનું કામ કામ એલ એન્ડ ટી કંપનીને આપવામાં આવ્યું છે. જેમાં હલકી ગુણવત્તાનો માલ-સામાન વાપરીને મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટી અંતર્ગત બનાવવામાં આવતી સ્માર્ટ ગટરો તથા બી.આર.ટી.એસ. રૂટની બાજુમાં બનાવવામાં આવતી ટનલોમાં નિમ્ન કક્ષાનો સિમેન્ટ, કોંક્રીટ, અને કટાઈ ગયેલું લોખંડ વાપરવામાં આવી રહ્યું છે. ખાસ ખબરની ટીમ દ્વારા રૂબરૂમાં સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, ગટર અને ટનલ બનાવવામાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પ્રકારના ધારા-ધોરણો વગર માલ-સામાનની ખરીદી કરવામાં આવી છે. લોખંડની મજબૂતાઈની ચકાસણી તો દૂર રહી પરંતુ કટાઈ ગયેલો લોખંડ અધિકારીઓ અને તંત્રને દેખાતો નથી એ તો આશ્ચર્યની વાત છે. સ્માર્ટ સિટીના આવડા મોટા પ્રોજેક્ટમાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ મોટાપાયે ખાઈકી અને કૌભાંડ કરી રહ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
- Advertisement -

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરે અટલ સરોવર તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની ચાલતી કામગીરી જોવા માટે સ્થળ પર સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. ત્યારે જો સ્માર્ટ ગટરો, બી.આર.ટી.એસ રૂટ અને 25 લાખ જેટલા પાવર બ્લોક લગાવવા સહિતની કામગીરીમાં વપરાતાં માલ-સામાનની ગુણવત્તાની ખરાઈ આવી હોત તો એજન્સી દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો. આ ઉપરાંત કરોડો રૂપિયાનું એંધાણ કરીને ખરીદવામાં આવતો માલ-સામાન બિનવારસી હાલતમાં પડ્યો હોય છે. અહીં કોઈ દુર્ઘટના બને કે કોઈ અન્ય બાબત બને તો તેનો જવાબદાર કોણ એ પ્રશ્ર પણ ઉઠ્યો હતો. કટાઈ ગયેલા લોખંડની ખરીદી કરીને પૈસા વેડફતાં, ભ્રષ્ટાચાર કરીને પોતાના ખિસ્સા ભરતાં કૌભાંડીઓના મોઢે સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વાતો હવે હાસ્યાસ્પદ લાગી રહી છે. જોવું રહ્યું કે તંત્ર કોઈ નક્કર પગલાં લે છે કે પછી દર વખતની જેમ પ્રજાના હિતને રામ ભરોસે છોડી દેશે!
નિમ્ન ગુણવત્તાનાં હોવાનો રિયાલિટી ચેક કરતો વિડીયો જોવા અહીં ક્લિક કરો..
- Advertisement -
પ્રોજેક્ટમાં ચાલતી ગેરરીતિ સામે જરૂર પડશે તો હાઈકોર્ટના દ્વાર ખડખડાવીશું : ભાનુ સોરાણી
સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કામમાં ચાલતા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તા વાળી સામગ્રી અંગે વિરોધ પક્ષના નેતા ભાનુ સોરાણીએ ખાસ ખબરને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાજકોટની જનતાને સ્માર્ટ સિટીના નામે બેવકૂફ બનાવતાં તંત્ર અને અધિકારીઓની ગેરરીતિને સાંખી લેવામાં નહીં આવે. અમે લોકો આ પ્રોજેક્ટમાં ચાલતાં કૌભાંડ અંગે ઉચ્ચ સ્તરે રજુઆત કરીશું. વિજિલિન્સ કમિશનર પાસે પણ જશું. પ્રોજેક્ટમાં વપરાતાં માલ-સામાનની ભૌતિક ચકાસણી કરાવીશું. દરેક સામગ્રીનો નમૂનો લઈને તેનો ડેનસીટી ટેસ્ટ અને લેબ પરિક્ષણ હાથ ઘરીશું, રાજકોટ મનપાના ભૂતકાળના અને વર્તમાનના કોઈપણ કસૂરવાર અધિકારીઓને બક્ષવામાં નહીં આવે. જરૂર પડશે તો નામદાર હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું.



