લિવ ઇનમાં રહેતા કપલની સુરક્ષાની માગ ફગાવાઇ: પરિવાર તરફથી પરેશાન કરાઇ રહ્યા હોવાનો હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
અલ્હાબાદમાં હાલમાં જ એક લિવ ઇન રિલેશનશિપમાં રહેનારા કપલને પોલીસ સુરક્ષા પુરી પાડવાની ના પાડી દીધી હતી. સુરક્ષાની માગ કરનારા આ કપલમાં એક મુસ્લિમ હોવાથી હાઇકોર્ટે ઇસ્લામનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ઇસ્લામ લગ્નેત્તર સંબંધને માન્યતા નથી આપતો, નિકાહ પહેલા પણ આવા કોઇ સંબંધમાં રહેવુ હરામ માનવામાં આવે છે.
- Advertisement -
ઉત્તર પ્રદેશની હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. તેઓએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં એવો દાવો કર્યો હતો કે અમને પોલીસ તરફથી સુરક્ષા મળવાના બદલે ધમકીઓ મળી રહી છે. જ્યારે યુવતીએ દાવો કર્યો હતો કે મારી માતા અમારા સંબંધને સ્વીકારવા માટે તૈયાર નથી અને અમને ધમકીઓ મળી રહી છે. માટે અમને સુરક્ષા પુરી પાડવામાં આવે.
જોકે હાઇકોર્ટના ન્યાયાધીશ સંગીતા ચંદ્રા અને નરેંદ્ર કુમાર જૌહરીએ સુરક્ષાની માગણીને ફગાવી દીધી હતી, અને ધર્મનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ઇસ્લામી કાયદો લગ્નેત્તર સંબંધની અનુમતી નથી આપતો, ઇસ્લામમાં નિકાહ પહેલા કોઇ મહિલાના શારિરીક સંબંધ બાંધવા, ચુંબન, સ્પર્શ વગેરે ઇસ્લામમાં હરામ છે. સાથે જ ઇસ્લામમાં આને લઇને આકરી સજાની પણ જોગવાઇ છે. આ સાથે જ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે કાયદો પરંપરાગત રીતે નિકાહ કે લગ્નના પક્ષમાં રહ્યો છે.