મેટોડા પોલીસનો મધરાત્રે હાઇવે ઉપર બાતમી આધારે દરોડો
મહેસાણા, અમરેલી અને યુપીના શખસની ધરપકડ: 44 લાખનો મુદામાલ કબજે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે મેટોડા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી કાલાવડ જતો ટ્રક અટકાવી જડતી લેતા મીઠાની બોરીઓ મળી આવી હોય તે હટાવીને જોતાં અંદરથી 33.84 લાખનો દારૂ મળી આવતા મહેસાણા, અમરેલી અને યુપીના શખસની ધરપકડ કરી 43.94 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવની સૂચના અને જિલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ કુલદીપસિહ ગોહિલ અને તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમીયાન યોગીરાજસિહ જાડેજાને મળેલી બાતમી આધારે રાજકોટથી કાલાવડ તરફ જતા ટ્રકને પાઠક સ્કૂલ પાસે અટકાવી જડતી લેતા મીઠાની બોરીઓ મળી આવી હતી તે હટાવીને જોતાં અંદરથી જુદી જુદી બ્રાન્ડનો 180 એમએલના 33,840 ચપલા મળી આવતા પોલીસે 33.84 લાખનો દારૂ, તાલપત્રી, મીઠાની 190 થેળીઓ, 3 મોબાઈલ અને ટ્રક સહિત 43. 94 લાખના મુદામાલ સાથે અમરેલીના મેહુલ ઉર્ફે લાલો રમેશભાઈ ચાવડા, મહેસાણાના જિમીત શંકરલાલ પટેલ અને યુપીના ગજસેન હરિલાલ માંજીની ધરપકડ કરી મુકેશ વસેયા અને રાહુલની શોધખોળ હાથ ધરી છે.