પોલીસે 63.40 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો, ભોમારામ ગોદારા નામનો શખ્સ ઝડપાયો
રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા દારૂ મળી આવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અરવલ્લી
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લાના પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવા અને વિદેશી દારૂની હેરફેર કરનાર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. જે અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ડાભીના મોડાસા વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આદેશ મુજબ ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે ખાસ ચેકિંગ ચાલી રહ્યુ છે.
અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે શામળાજી પોલીસની ટીમ દ્વારા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીગ હાથ ધરવામાં આવી રહ્યુ હતું. આ ચેકિંગ દરમિયાન શામળાજી પોલીસના ઇન્સ્પેક્ટર કે.ડી.ડીંડોર, સબ ઇન્સ્પેકટર જી.આર.ચૌધરી, હેડ કોન્સ્ટેબર ચંદ્રકાન્તભાઇ ભીખાભાઇ, પોલીસ કોન્સ્ટેબર રણવીરવસિંહ રણજીતવસિંહ અને પોપટભાઇ કાળાભાઇને એક ટ્રક શંકાસ્પદ લાગતા તેમને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકના ડ્રાઇવરને ટ્રકમાં શું ભર્યું છે તે બાબતે પુછતા ટ્રકમાં ઇલેક્ટ્રીક સામાનના બોક્ષો ભર્યા હોવાનું જણાવ્યુ હતુ અને અમદાવાદ સામાન પહોંચાડવાનો હોવાનું જણાવ્યુ હતું. પરંતું ટ્રકમાં વિદેશી દારૂ ભરેલી હોવાની બાતમી હકીકત મળી હોય ટ્રકની પાછળની બોડીના ભાગે સીલ તોડી તપાસ કરતા પોલીસને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અને શામળાજી પોલીસને અણસોલ ચેકપોસ્ટ પર વહેલી પરોઢે મોટી સફળતા મળી હતી.
રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતા ઇલેક્ટ્રિક સામાનની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન આ ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ટ્રકની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી 8,010 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂ. 63.40 લાખ થવા જાય છે. પોલીસે ટ્રક, ઇલેક્ટ્રિક સામાન અને દારૂ સહિત કુલ રૂ. 1 કરોડ 21 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકના ચાલક ભોમારામ ગોદારાની ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ રીતે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. અરવલ્લી પોલીસ સરહદી વિસ્તારમાં અન્ય રાજ્યોમાંથી નશીલી ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે સતત સતર્ક રહે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી પાસેથી કબ્જે કરેલો મુદ્દામાલ
વિદેશી દારૂની 389 પેટી નંગ 8124 કિંમત 63,40,800
એક મોબાઇલ કિંમત પ,000
એક ટ્રક કિંમત 20,00,000
ઇલેક્ટ્રીક સામાન 16,75,953