સ્વામિનારાયણના સાધુનો વધુ એક જૂનો વિવાદીત વિડીયો વાયરલ
હિંદુઓની શ્રદ્ધાના કેન્દ્ર સમાન ભગવાન શિવજીના સ્થાન કૈલાસની ગરિમાનું ઘોર અપમાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિવાદીત વીડિયોની હારમાળામાં વધુ એક ઉમેરો થયો છે. ‘સદ્વિદ્યા’ ગુજરાતી ચેનલમાં હરિભક્તોને સંબોધન દરમિયાન હરીસ્વરૂપદાસજી સ્વામી ‘દારૂ પીવે એને અક્ષરધામમાં સ્થાન ન મળે, તે તો કૈલાસમાં જાય’ એવા વિવાદીત વિધાન સાથે વધુ એક વખત શિવજીના પવિત્ર ધામની ગરિમાને લાંછન લગાવવાનો હિનપ્રયાસ કરવામાં આવ્યો છે. એક જૂના વાયરલ વિડીયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરીસ્વરૂપદાસજી સ્વામી જાહેર પ્રવચનમાં કહે છે કે એક હરિભક્તનો દીકરો ધામમાં ગયો. હરિભક્તને લાગ્યું કે દીકરાની અસદ્ગતિ થઈ છે, અને તે પ્રેત સ્વરૂપે ઘરમાં આંટાફેરા કરે છે જેથી તેની સદ્ગતિ માટે વિધિ કરવાનું સ્વામીને પૂછે છે. સ્વામી દામોદરદાસ નામના ભક્તને અક્ષરધામમાં તપાસ કરવા મોકલે છે તો ત્યાંથી જાણવા મળે છે કે હરિભક્તનો દીકરો અક્ષરધામમાં નથી પણ મૃત્યુ પામ્યા બાદ કૈલાસમાં ગયો છે આવું થવાના કારણમાં સ્વામી કહે છે કે મૃત્યુ પામનાર યુવાને એક વખત દારૂ પીધો હતો જેથી તેને અક્ષરધામમાં નહીં કૈલાસમાં સ્થાન મળ્યું છે!! આથી પણ મહાકલ્પનાનો દોર આગળ વધારતા હરીસ્વરૂપદાસજી સ્વામી કહે છે કે બાદમાં દામોદરદાસ કૈલાસમાં જાય છે ત્યાં ભગવાન શિવજીને મળે છે! ભગવાન શિવજી પણ જય સ્વામિનારાયણ બોલીને હવેથી આ મૃતક યુવાનને અહીંથી બહાર નહીં દેવાની ખાતરી આપે છે અને હરિભક્તને હવેથી મૃત યુવાન તમને હેરાન નહીં કરે તેવી ખાત્રી મળી જાય છે! વીડિયોમાં વેદાંતાચાર્યોની પણ ટીકા કરવામાં આવી છે. સતત એવું બતાવવા પ્રયાસ થાય છે કે અક્ષરધામ જ સર્વોત્તમ છે અને ઉત્તમ કર્મો કરનારને અક્ષરધામમાં સ્થાન મળે, દારૂ પીનારાઓ કે હિનપ્રવૃત્તિ કરનારને કૈલાસમાં જવું પડે. ભગવા કપડાં પહેરીને ભગવાન શિવજીના ધામ કૈલાસ બાબતે મનઘડત વાતો કરનારની સાધુતા પણ શંકા ઉપજાવનારી ગણી શકાય. કૈલાસ દેવાધિદેવ મહાદેવનું નિવાસસ્થાન છે. સનાતન ધર્મમાં શિવજીનું સ્થાન સર્વોચ્ચ છે. તમામ સંપ્રદાયના અનુયાયીઓ જ નહીં, દેવી-દેવતાઓ પણ ભગવાન શિવજીની પૂજા કરતાં હોવાનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. દરેક હિંદુ મૃત્યુ બાદ કૈલાસમાં સ્થાન મળે એવી કાયમ પ્રાર્થના કરતાં હોય છે ત્યારે આ સન્માનનીય સ્થળની ગરિમાનું ખંડન કરવાના આવા હિનપ્રયાસો કેટલા અંશે યોગ્ય? અત્રે ઉલ્લેખનીય છે કે, હરીસ્વરૂપદાસજી સ્વામીનો ભગવાન શિવ અને કૈલાશની ગરીમાને ખંડન કરતો આ વિડીયો ભલે જૂનો હોય પરંતુ હજુ પણ સોશિયલ મીડિયા ઉપર મોજુદ છે અને આ વિડીયો અંગે હરીસ્વરૂપદાસજી સ્વામીએ માફી માંગવી રહી અને આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવો જરૂરી છે.