પ્રેસ કોન્ફરન્સમાં ઈન્દ્રનીલ રાજગુરુના આકરા પ્રહારો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જેની જવાબદારી છે તે પોલીસ તંત્ર તદ્દન ખાડે ગયું છે અને ભાજપનો તથા પોતાનો ભ્રષ્ટાચાર છાવરવા માટે પ્રજાને રઝળતી મૂકી દીધી છે. પોલીસ તંત્ર પ્રજાનું ભલું કરવાને બદલે અંગત ધંધામાં અને વહીવટ કરવામાં જ રચીપચી રહે છે અને તેને કારણે પ્રજામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા છે એટલું જ નહીં પણ ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઈ છે અને ખાખીનો ભ્રષ્ટાચાર વધી ગયો છે. તેવો આક્ષેપ કૉંગ્રેસે કર્યો હતો. અને પોલીસ તંત્રને સુધરી જવાનું અલ્ટીમેટમ આપ્યું છે. કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પોલીસ કમિશન આ બાબતને ગંભીર ગણીને કડક કાર્યવાહી નહીં કરે તો એક પ્રતિનિધિ મંડળ પુરાવાઓ સાથે ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરશે.
વધુમાં કહ્યું હતું કે રાજકોટમાં કેટલાક અધિકારીઓ બાયોડીઝલની હેરાફેરીમાં સંડોવાયેલા છે એટલું જ નહીં એક પોલીસ સ્ટેશને તો 25થી વધુ બુટલેગરોને ધંધો કરવાની છૂટ આપેલી છે. જ્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થાનો સવાલ છે ત્યાં આ વ્યવસ્થા પડી ભાંગી છે. ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતાં ટેન્કરો અને ડમ્પરો બેફામ દોડી રહ્યા છે અને જીવલેણ અકસ્માતો સર્જી રહ્યા છે. ટ્રાફિક શાખા ટ્રાન્સપોર્ટરો અને કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તાખોરીમાં વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં રાજકોટની પ્રજા કોઈને ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં નથી. પોલીસનું કામ માત્ર ગુનાના ભોગ બનેલ લોકોની પ્રાથમિક ફરિયાદ લેવાનું હોય છે પરંતુ રાજકોટમાં પોલીસ જ જાણે કોર્ટ બની ગઈ હોય તેમ જાતે જ ચુકાદાઓ આપતી હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે! જો કોઈ વ્યક્તિની ફરિયાદ લીધી હોય તો તેમાં બંને પક્ષેથી ક્યાંક મલાઈ મળે એવું લાગે તો જ તે તપાસમાં રસ દાખવે છે. બાકી ફરિયાદીને એટલા ગેરમાર્ગે દોરે કે તેઓ કંટાળી સમાધાન માટે મજબૂર બને છે. રાજકોટમાં જૂની કહેવત જેવી પરિસ્થિતિ ઉદ્ભવી કે બકરી વરુથી રક્ષણ મેળવવા વાઘ પાસે જાય! આ માત્ર અમારા આક્ષેપો નથી પણ વરવી વાસ્તવિકતા છે. કોંગ્રેસ પાસે કેટલાક એવા પુરાવા છે જે ફરિયાદ સ્વરૂપે પણ છે.
આજની આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, કોંગી મહિલા આગેવાન ગાયત્રીબા વાઘેલા, આરએમસીની પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, અતુલ રાજાણી, તુષાર નંદાણી, રોહિત રાજપૂત, દિપ્તીબેન સોલંકી, નયનાબા જાડેજા, અજીત વાંક, મુકુંદ ટાંક, અભિષેક તાડા, યશ ભીંડોરા, જીત સોની સહિત ભોગ બનેલા અરજદારો અને કોંગી આગેવાન જોડાયા હતા. આવનાર સમયમાં પોલીસ કમિશનર લોકહિતલક્ષી આ બાબતોની ગંભીરતા દાખવા કડક કાર્યવાહી નહીં કરે તો ગુજરાત કોંગ્રેસનું ડેલિગેશન રાજ્યના ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરશે તેવું અંતમાં ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું.