ગીર માટે જાણીતું ગુજરાત હવે માત્ર એશિયાટીક સિંહોની ભૂમિ તરીકે મર્યાદિત નથી. ત્રણ દાયકાથી વધુ સમય બાદ, રાજ્યના જંગલોમાં વાઘની કાયમી હાજરી નોંધાઈ રહી છે, ગુજરાત ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ તરીકે ઓળખ મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ 33 વર્ષના લાંબા સમયગાળા પછી ગુજરાતને ફરીથી ‘વાઘની હાજરી ધરાવતું રાજ્ય’ જાહેર કર્યું છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય મુખ્ય પ્રજાતિઓ સિંહ, વાઘ અને દીપડો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. નોંધનીય છે કે છેલ્લા 10 મહિનાથી ચાર વર્ષનો વાઘ દાહોદના રતનમહાલમાં સ્થાયી થયો હોવાના પૂરાવા મળ્યા છે, અને ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે.
- Advertisement -
રતનમહાલ બન્યું વાઘનું નવું સરનામું
દાહોદ જિલ્લામાં આવેલું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય આ ઐતિહાસિક જાહેરાતનું મુખ્ય કારણ બન્યું છે. છેલ્લા 10 મહિનાથી રતનમહાલના જંગલોમાં એક નર વાઘ ટ્રેપ કેમેરામાં સતત કેદ થઈ રહ્યો છે. આ વાઘે આ વિસ્તારને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હોવાના નક્કર પુરાવા મળતા NTCAએ આ નિર્ણય લીધો છે.
હવે ‘ટાઈગર રિઝર્વ’ બનાવવાની તૈયારી!
- Advertisement -
મળતી માહિતી અનુસાર, ગુજરાત વન વિભાગ આ ઉપલબ્ધિને પગલે હવે રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેને લઈને વાઘનો વંશવેલો વધારવા માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. વાઘ માટે પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તે માટે જંગલમાં તૃણહારી પ્રાણીઓની સંખ્યા વધારવામાં આવશે. આ ઉપરાંત વાઘના સંરક્ષણ માટે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ અને અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે.
વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ
અત્યાર સુધી ગુજરાતની ઓળખ વિશ્વભરમાં માત્ર ‘એશિયાટિક સિંહો’ના ઘર તરીકે હતી, પરંતુ હવે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો મળતા પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની ખ્યાતિ વૈશ્વિક સ્તરે વધશે. વન્યજીવ નિષ્ણાતો માને છે કે આનાથી ઈકો-ટુરિઝમને વેગ મળશે અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે.

વાઘ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવાશે: વન મંત્રી
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસના પ્રાથમિક અહેવાલમાં પણ ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. આ અહેવાલ મુજબ ગુજરાતમાં હાલમાં એક વાઘની વસ્તી સત્તાવાર રીતે નોંધાઈ છે. રાજ્યમાં વાઘ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવવાની પૂરતી શક્યતાઓ છે. આ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે આ અહેવાલમાં વિવિધ પગલાં સૂચવવામાં આવ્યા છે. આ અંગે કોઇ ઓફિશિયલી પત્ર NTCA મારફતે વનવિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળ્યો છે. તે પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગે અગાઉથી કેટલાક પગલાં લઇને અહીંયા ઇકો સિસ્ટમ ડેવલોપ થાય તે માટે પ્રયત્ન કરી રહી છે. આગામી સમયમાં સરકારા દ્વારા વન્ય પ્રાણી અને વન્ય સિસ્ટમને જાળવી રાખવા માટે મક્કમ છે. આગામી જરૂરી ઇકો સિસ્ટમ ઉભી તે માટે જે પણ જરૂરી પગલાં હશે તે ભરવામાં આવશે.
ત્રણ ‘બિગ કેટ’ ધરાવતું રાજ્ય બન્યું ગુજરાત
મંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે ગુજરાત હવે એશિયાટીક સિંહ અને દીપડા બાદ વાઘની હાજરી સાથે ત્રણ મુખ્ય ‘બિગ કેટ’ પ્રજાતિઓ ધરાવતું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટે મક્કમ છે.
આગામી દિવસોમાં વાઘના સંવર્ધન અને સુરક્ષા માટે કેન્દ્રીય સંસ્થાઓ સાથે મળીને વધુ આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી ગુજરાતની વન સમૃદ્ધિમાં વધારો થઈ શકે.




