ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ નજીક આવેલા પાતાપુર ગામ પાસેની પ્રભાત સિમેન્ટ ફેક્ટરીમાં મોડી રાત્રે સિંહો સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. એક યુવાન ફેક્ટરીના ગેટમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક સિંહણ અને તેના બે બચ્ચા સહિત ચાર સિંહોનો પરિવાર સામે આવી ચડ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા આ દ્રશ્યોમાં, જીવ બચાવવા માટે સિંહ અને યુવાન બંને એકબીજાથી દૂર ભાગતા જોવા મળ્યા હતા. આખી રાત જાણે કે સિંહોના પરિવારે ફેક્ટરીને બાનમાં લીધી હોય તેવા હાલ થયા હતા. ફેક્ટરીના કામદારો સિંહોની અવરજવરથી ભયભીત થઈ ગયા હતા અને બહાર નીકળવું કે ફેક્ટરીના ગ્રાઉન્ડમાં બેસવું પણ તેમના માટે ભયજનક બની ગયું હતું. મોડી રાત્રે સિંહોને જોતા જ ભર ઊંઘમાંથી સફાળો જાગી ગયેલો યુવાન પણ ગભરાઈને ફેક્ટરી તરફ દોડવા લાગ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આશ્ચર્યની લાગણી ફેલાઈ છે. આ ઘટનાએ ફરી એકવાર સિંહો અને માનવ વસવાટ વચ્ચેના સંઘર્ષનો મુદ્દો ઊભો કર્યો છે.