જંગલ નજીકનો વિસ્તાર હોવાથી વારંવાર સિંહો પ્લાસવા સહિતના અનેક ગામોમાં આવી ચડે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢના પ્લાસવા નજીકથી પસાર થતી રેલવે લાઈન પર દોડ લગાવતા સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સદનસીબે સિંહ જ્યારે રેલવે ટ્રેક પર હતા ત્યારે કોઈ ટ્રેન પસાર ન થતા અકસ્માત ટળ્યો હતો. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન પર ભૂતકાળમાં અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે અને સિંહના મોત પણ થઈ ચૂક્યા છે.
જૂનાગઢના પ્લાસવામાં ગામ નજીક મોડી રાત્રે સિંહના આટાફેરા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહના આટાફેરા મારતો આ વીડિયો રાહદારીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. વાયરલ વીડિયોમાં સિંહ રેલવે ટ્રેક પર દોડતો નજરે પડી રહ્યો છે. જૂનાગઢ ગિરનાર જંગલ નજીકનો વિસ્તાર હોવાથી વારંવાર સિંહો ડુંગરપુર, વિજાપુર ,પ્લાસવા સહિતના અનેક ગામોમાં આવી ચડે છે. ત્યારે ઘણી વાર ગ્રામ્ય વિસ્તારમાં પણ સિંહો આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે.
આમ તો ગીર વિસ્તારમાંથી વારંવાર સિંહો રસ્તા પર આવતા હોવાના વીડિયો સામે આવ્યા છે.ત્યારે છેલ્લા ધણા સમયથી ગિરનારના જંગલમાંથી રેવન્યુ વિસ્તારમાં સિંહો આવતા હોવાના બનાવો ખૂબ જ વધ્યા છે. ઘણીવાર રાત્રિના સમયે ભવનાથ ક્ષેત્રના રોડ પર પણ સિંહ પરિવાર આટાફેરા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ગઈકાલ રાત્રે જૂનાગઢના પ્લાસવા નજીક રેલવે ટ્રેક પર સિંહનો દોડતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.રેલવે ટ્રેક પર સિંહના આટા ફેરા મામલે વન વિભાગના અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમણે તેમનો ફોન રિસીવ કર્યો ન હતો.