પાંચ દિવસથી ગીર-સોમનાથનાં વિઠલપુરમાં સિંહ પરિવારે ધામા નાંખ્યા છે : નીલગાય અને જંગલી ભૂંડની કનડગત અટકી પરંતુ સિંહ પરિવારનાં કારણે ખેડૂતોમાં ભયનો માહોલ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગીર જંગલ બોર્ડરને અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠલપુર ગામમાં અને આસપાસના વિસ્તારમાં સિંહ પરિવારના ધામાથી ખેડૂતો મુંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયા છે. કેમ કે, સિંહોના ધામાથી રાત્રીના સમયે ખેડૂતોને ખેતરે જવામાં ભય લાગે છે. તો જંગલી ભૂંડ અને નીલગાયોના ત્રાસમાં સિંહોના ધામાથી ફાયદો પણ થઈ રહ્યો છે. વિઠલપુર ગામની સીમમાં રાત્રીના બે સિંહો આરામ ફરમાવી રહ્યાના દ્રશ્યો પણ કોઈ ખેડૂતે કેમરામાં કેદ કરી લીધા છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલ બોર્ડર પરના ગામોમાં કાયમી સિંહો આંટાફેરા કરતા જોવા મળે છે. જેમાં પણ ઉનાળાની સિઝનમાં વારંવાર નજરે પડે છે. ત્યારે આવી રીતે જિલ્લાના કોડીનાર તાલુકાના ગીર જંગલ બોર્ડેર નજીક આવેલા વિઠલપુર ગામે છેલ્લા પાંચ દિવસથી સિંહ પરિવારએ ધામા નાંખી આંટાફેરા કરી રહ્યા હોવાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે.
આ અંગે ખેડૂતો પાસેથી જાણવા મળ્યા મુજબ, વિઠલપુર ગામની સીમમાં અને આસપાસના વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા નાંખવાથી રાત્રીના ખેતરમાં પાણી વાળવા જવા સમયે ખેડૂતોને સતત ભયમાં સતાવી રહ્યો છે. જેના લીધે સંધ્યા બાદ ખેડુતો પોતાના ખેતરે જવામાં પણ અચકાય છે. તો ખેતરમાં દિવસ દરમિયાન કામ કરતા હોય તેવા સમયે પણ પોતાનું તથા ખેતરમાં રમતા બાળકોનું ધ્યાન રાખવાની સાથે કાળજી રાખવી પડે છે. તો આ વિસ્તારના ખેતરોમાં જંગલી ભૂંડ અને નીલગાયોનો ત્રાસ અને ક્ધડગત હતી. જે સિંહોના આંટાફેરાથી બંધ થઈ ગઈ હોવાથી ફાયદો પણ થયો છે. વિઠલપુર સીમ અને આસપાસના વિસ્તારોમાં સિંહ પરિવારના ધામાની સાબીતી સમાન દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં એક ખુલ્લા ખેતરમાં બે સિંહો રાજાશાહી રીતે બેસી આરામ ફરમાવી રહ્યાનું જોવા મળે છે. થોડીવાર બાદ એક સિંહ ઉભો થઈને આંટાફેરા મારી રહ્યો છે. આમ સિંહ પરીવારના ધામાથી ખેડુતોની પરિસ્થિતિ મૂંઝવણભરી બની છે.