વિદ્યાર્થીઓ દ્વારા સિંહોનું રક્ષણ, પ્રકૃતિનું રક્ષણનો સંદેશ આપવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.12
ગીરના સિંહો માત્ર ગુજરાતનું નહિ પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. તાજેતરમાં વિશ્ર્વ સિંહ દિવસના અવસરે વેરાવળમાં સિંહ સંરક્ષણ અંગે જાગૃતિ રેલી યોજાઈ હતી. સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો. સ્મિતાબહેન છગના નેતૃત્વ હેઠળ તેમજ હર ઘર તિરંગા કોઓર્ડિનેટર ડો. ધનંજય પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ રેલીમાં સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સરકારી બોય્ઝ હાઈસ્કૂલ થી ટાવરચોક સુધી યોજાયેલી આ રેલીમાં સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ બેનર્સ તેમજ ‘સિંહ બચાવો’ના સૂત્રોથી સિંહોના સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સિંહોના સંરક્ષણ માટે શપથ લીધાં હતાં. આ શપથના માધ્યમથી સિંહોનું રક્ષણ, પ્રકૃતિનું રક્ષણ નો સંદેશ આપવામાં આવ્યો હતો અને ગીરના સિંહો તથા તેમના કુદરતી વતનની સંભાળ રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.