સીઝન પૂર્ણ થવાના આરે કોલસાની ગેરકાયદે ખાણો પર દરોડો થતા તર્ક વિતર્ક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ધમધમતી ખાણ સામે ફરી એક વખત તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેમાં સાયલા તાલુકાના ચિત્રાલાખ ગામે સીમ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો પર લીંબડી પ્રાંત અધિકારી દ્વારા વહેલી સવારે દરોડો કરી સાત જેટલી ચરખી સહિત લાખોનો મુદામાલ ઝડપી લીધો હતો. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સાયલા પંથકના કેટલાક ગામોમાં ચાલતી કોલસા ગેરકાયદેસર ખાણો છેલ્લાં પાંચેક મહિનાથી ધમધમી રહી છે. ત્યારે કોલસાની સિઝન હવે પૂર્ણ થવાના આરે છે તેવા સમયે લીંબડી પ્રાંત અધિકારી સાથે ટીમ રાખી આજે વહેલી સવારે 7:00 વાગ્યાના સમય દરમિયાન દરોડો કર્યો હતો આ દરોડામાં કોલસાની ખાણો પર ચાલતી સાત જેટલી ચરખી, કોલસાનો જથ્થો બાઈક, એક ટ્રેકટર અને દસેક જેટલા મજૂરો સહિત લાખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો છે. જોકે કહેવાય છે કે અહીં ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણો ભાજપના નેતાની હતી અને બે નેતા વચ્ચે ચાલતી અનબનના લીધે જ ગેરકાયદેસર કોલસાની ખાણ ચલાવતા નેતાને ટાર્ગેટ કરવા માટે દરોડો કરાયો હોય ચર્ચા ચાલી રહી છે. તેવામાં ચિત્રાલાખ ગામે છેલ્લા પાંચેક મહિનાથી ચાલતી કોલસાની ખાણો પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાયા વગર બેરોકટોક ચાલતી રહી અને હવે જ્યારે કોલસાની સિઝન પૂર્ણ થવાના આરે છે તેવા સમયે જ લીંબડી પ્રાંત અધિકારી અચાનક નિંદ્રામાંથી જાગીને દરોડો કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.



