24 કલાકમાં 1 ઈંચથી પોપટપરાનાં નાલામાં પાણી ભરાયા: જિલ્લાનાં 6 ડેમોમાં પાણીની આવક નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ગઈકાલે અસહ્ય બફારા બાદ રાત્રે 9 વાગ્યા પછી રાતભર વરસાદી માહોલ છવાયો હતો. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે 1 ઈંચ જેટલો વરસાદ વરસતા પોપટપરા સહિત અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પોપટપરાનાં નાલામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મેઘરાજા મન મૂકી વરસે તેવી આશાઓ સેવાઇ રહી છે ત્યારે ધીમીધારે વરસાદ પડતાં જિલ્લાનાં 6 ડેમોમાં નવા પાણીની આવક નોંધાઈ હતી. રાજકોટ જિલ્લાના 6 ડેમોમાં વરસાદને લીધે નવા નીરની આવક થઇ છે.
- Advertisement -
જેમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના લીધે ભાદર ડેમમાં 1.80 ફૂટ, આજી-2 ડેમમાં 0.49 ફૂટ, વેરી ડેમમાં 0.39 ફૂટ, આજી-3 અને ફોફળ ડેમમાં 0.30 ફૂટ અને ન્યારી-2 ડેમમાં 0.16 ફૂટનો વધારો નોંધાયો છે. જળાશયોના કેચમેન્ટ વિસ્તાર મુજબ ફોફળ ડેમમાં 27 મી.મી., સોડવદર ડેમમાં 20 મી.મી., છાપરવાડી-2 ડેમમાં 17મી.મી. અને ભાદર-2 ડેમમાં 10મી.મી. વરસાદ નોંધાયો છે તેમ રાજકોટ સિંચાઈ પૂર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય બધા વિસ્તારોની સરખામણીએ રાજકોટ શહેરમાં વરસાદ ઓછો વરસ્યો છે. શહેરમાં વારંવાર વરસાદી માહોલ છવાય છે પરંતુ, મેઘરાજા મન મૂકીને વરસતા નથી. જેને લઈને રાજકોટવાસીઓ ચોમાસામાં પણ અસહ્ય ગરમી ભોગવી રહ્યા છે. જો કે, જિલ્લાનાં ગોંડલ સહિતનાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને હાલ વરસાદના વધુ એક સારા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે.