ખેડૂતોએ 11થી 14 ડિસે. દરમિયાન રવિપાકમાં પિયત આપવાનું ટાળવાની સલાહ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સહિતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં આગામી તા.11 થી તા.14 સુધી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કરવામાં આવી છે. જેથી ખેડૂતોએ પોતાની ખેત જણસી અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે રાખવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આ દિવસોમાં રવિપાકમાં પિયત આપવાનું ટાળવું પણ ખેડૂતો માટે સલાહભર્યું રહેશે. ભારત મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં તા.11 થી તા.14 સુધી હળવો વરસાદ પડવાની સંભાવના છે. જેને ધ્યાને લઇ ખેડૂતો કાળજી રાખવી જરૂરી છે. ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી. ઉપરાંત વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી, એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વેપારીઓને પણ જણાવવામાં આવ્યું છે. પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવો. તેમજ આ દિવસોમાં શિયાળુ પાકોમાં પિયત આપવાનુ ટાળવું પણ હિતાવહ રહેશે. તેમ જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.