ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
ઉના તાલુકાના છેવાડાના ખત્રીવાડા ગામમાં સામાન્ય વરસાદમાં પણ મોટી મુશ્કેલી સર્જાઈ છે. વ્યાપક વરસાદને પગલે ગામની મધ્યમાંથી પસાર થતો રૂપેણ નદી પરનો બેઠો પુલ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ઉના પંથકમાં વરસાદ અને રાવલ ડેમ ઓવરફ્લો થવાના કારણે રૂપેણ અને રાવલ નદીઓમાં પૂરની સ્થિતિ છે.
પરિણામે, ખત્રીવાડા ગામ અને સનખડા-ખત્રીવાડા નો રસ્તો કલાકો સુધી બંધ રહ્યો હતો. પુલ પર પાણીનો ધસમસતો પ્રવાહ હોવા છતાં, ગામના બે ભાગો વચ્ચે અવરજવર જાળવી રાખવા માટે મહિલાઓ અને બાળકો સહિત ગ્રામજનો જોખમી રીતે તે પાર કરી રહ્યા છે. આ સ્થિતિમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની, તેવા ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનોએ ભૂતકાળમાં પણ આવી અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે અને આ બેઠા પુલ પર ઊંચો બ્રિજ બનાવવાની અનેકવાર માંગણી કરી છે, પરંતુ તંત્ર દ્વારા સતત ઉપેક્ષા થઈ રહી હોવાનો વસવસો વ્યક્ત કર્યો છે. મેડિકલ ઇમરજન્સીના સમયે આ પુલ પરથી પસાર થવું અશક્ય બની જાય છે. સ્થાનિકોએ માંગ કરી છે કે, ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગામની વચોવચ આવેલા બેઠા પુલને ઊંચો અને નવો બનાવવામાં આવે, જેથી વરસાદની મોસમમાં પડતી હાલાકીમાંથી કાયમી મુક્તિ મળે.