વિસાવદરમાં સસ્તા અનાજમાં ભ્રષ્ટાચાર મુદ્દે ધારાસભ્યના ધમપછાડા બાદ કાર્યવાહી
જિલ્લા પુરવઠા અધિકારીના પારદર્શકતાના દાવા
જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી ગરસરે એ પણ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનાજના જથ્થાની હેરફેર પર નજર રાખવા માટે સીસીટીવી, જીપીએસ ટ્રેકિંગ અને ગ્રાહકના મોબાઈલમાં આધાર-આધારિત વેરિફિકેશન જેવી પારદર્શક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ગ્રાહકો ટોલ ફ્રી નંબર 1976 પર ફરિયાદ પણ કરી શકે છે. જોકે, આ દાવાઓ સામે સ્થાનિક સ્તરે થઈ રહેલા કૌભાંડના આક્ષેપો ગંભીર પ્રશ્ર્નો ઉભા કરી રહ્યા છે.
- Advertisement -
અનાજ માફિયાઓ સામે અનેક સવાલો ઉભા થયા
જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ કમિટી રચી
પુરવઠા તંત્ર જિલ્લાના તમામ તાલુકામાં તપાસ કરશે !
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગરીબોના હિસ્સાનું સસ્તા અનાજની દુકાનોનું અનાજ બારોબાર વેચાઈ રહ્યું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ આ મામલે વીડિયો બનાવીને કેટલાક ચોક્કસ વેપારીઓ અને ગામોને ટાર્ગેટ કર્યા છે, પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે આ કૌભાંડ સમગ્ર તાલુકામાં વ્યાપક છે અને તેની પાછળ તંત્રની મીઠી નજર પણ જવાબદાર છે. તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. સ્થાનિકોના મતે, વિસાવદરમાં ભૂતિયા રેશનકાર્ડના આધારે મોટાપાયે અનાજનો ગોટાળો ચાલી રહ્યો છે. જે લોકો ગામમાં રહેતા નથી અથવા મતદાર યાદીમાં નથી તેવા નામો પર પણ રેશનકાર્ડ ચાલી રહ્યા છે. આ કાર્ડ કોના દ્વારા ઈશ્યુ થયા અને કોણ તેનો લાભ લઈ રહ્યું છે, તેની તપાસ કરવામાં આવતી નથી. લોકોનું કહેવું છે કે તલાટીથી લઈને જિલ્લા કક્ષા સુધીના અધિકારીઓ આમાં સામેલ છે અને માસિક હપ્તા પદ્ધતિથી આ કૌભાંડ ચાલી રહ્યું છે.?
આ ઉપરાંત, વિસાવદર મામલતદાર કચેરીની ભૂંડી ભૂમિકા પણ સામે આવી છે. અંબાળા ગામના અનેક રેશનકાર્ડ ધારકોના નામ કોઈ પણ આધાર-પુરાવા વગર કાલાવડની સસ્તા અનાજની દુકાનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, જ્યારે આ લોકો ખરેખર અંબાળામાં જ રહે છે. આ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસરે જણાવ્યું હતું કે, વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી, કાકચીયાળા અને મોટી પિંડાખાઈ ગામની સસ્તા અનાજની ત્રણ દુકાનોમાં ઓછો જથ્થો મળતા તેના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, મીડિયામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને જિલ્લા તંત્ર દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ માટે છ ટીમો બનાવવામાં આવી છે અને 300 લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. જો તપાસમાં ગેરરીતિ માલૂમ પડશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.



