મોરબીમાં પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં જિલ્લાની સંકલન બેઠક યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લા પ્રભારી તેમજ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ટાઉન પ્લાનિંગનું જીણવટ ભર્યું નિરીક્ષણ કરી વિકાસકામો કરવા, ડ્રેનેજ વ્યવસ્થા સુચારૂ બનાવવા, રોડ રસ્તા, છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડવું વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી વિશેષ કામગીરી કરવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે દરેક અધિકારીઓ અને કર્મચારીઓને ખેડૂતોના પ્રશ્નો માટે હકારાત્મક અભિગમ દાખવવા અને ગરીબ-જરૂરિયાતમંદ માણસોને ઓછા ધક્કા પડે તે મુજબ માનવીય અભિગમ દાખવીને યોગ્ય કામગીરી કરી મોરબીને સુશાસનમાં નંબર વન પર લાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત સાથે મળી સંકલનથી મોરબીને દરેક ક્ષેત્રે વિકસિત બનાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા તથા તમામ ઉપસ્થિત ધારાસભ્યોએ મહેસૂલ, પાણી-પુરવઠા, રોડ-રસ્તા, સિંચાઈ અને કેનાલ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ તેમજ આરોગ્ય સહિતના વગેરે જેવા જન હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.