28 જુલાઈ – પ્રકૃતિ સંરક્ષણ દિવસ
વન વિભાગ, સામાજિક સંસ્થાઓ કે સેવાભાવી લોકો પાસેથી રાહત ભાવે રોપા મેળવીને વાવીએ અને તેનું જતન કરીએ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ગુજરાતની સાથે મોરબી પર પણ મેઘરાજા મહેરબાન થયા છે. મોરબી જીલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ થયો છે. મેઘાની મિટ માંડીને તપી ગયેલી ધરણીને વર્ષાની ધારાએ ધરબી દીધી છે ત્યારે ધરતી લીલી ચાદર ઓઢીને વધુ મનમોહક બની છે.
ગુજરાતમાં સક્રિય થયેલી આ વરસાદી સીઝન પહેલા બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાએ કચ્છ-સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોને ઓછા વત્તા પ્રમાણમાં અસર કરી છે ત્યારે આપણે એક ઝુંબેશ સ્વરૂપે આ વૃક્ષોની સામે નવા વૃક્ષો ઉછેરવા માટે કવાયત જરૂરથી હાથ ધરવી જોઈએ.
કોઈપણ એક વૃક્ષને ઉછરતા-પરિપક્વ બનતા વર્ષો લાગી જાય છે પરંતુ વાવાઝોડામાં અનેક વૃક્ષોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, ત્યારે ચાલો આપણે વૃક્ષો વાવી અને તેનું જતન કરીએ. હાલ વરસાદી ઋતુના પગલે જિલ્લામાં આવેલી વન વિભાગ હેઠળની નર્સરીઓમાં સામાજિક વનીકરણ અન્વયે રાહત ભાવે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જ્યાંથી આપણે ગમતા રોપા મેળવી શકીએ છીએ. ઉપરાંત હાલ સામાજિક સંસ્થાઓ તેમજ અન્ય સંગઠનો કે સેવાભાવી લોકો દ્વારા પણ વિનામૂલ્ય કે રાહત ભાવે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો અનુકૂળતા મુજબ રોપા મેળવી આંગણું, શેરી-મહોલ્લો, બગીચો, શાળા-કોલેજ, ગામ કે વનવિસ્તાર સહિત યોગ્ય જગ્યાએ ગુલમહોર, લીમડો, દેશી બાવળ, આસોપાલવ, પીપડો, વડ, કરંજ, આંબળા, ગુંદા વગેરે વૃક્ષો વાવી તેનું જતન કરીએ તેમજ વાતાવરણને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા તથા મોરબી શહેર અને સમગ્ર જિલ્લાને રળિયામણું બનાવવા માટે એકજૂથ બની વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ.