એક ટ્રેનિંગ વર્કશોપમાં ટ્રેનરે એક ટ્રેઈનીને ઊભો કરીને સ્ટેજ પર બોલાવ્યો. એક કાચની પારદર્શક ખાલી બરણી બતાવીને કહ્યું, આપણે આ બરણીને ભરવાની છે. બરણી ભરવા માટે આપણી પાસે આ ચોખા, થોડા નાના બોર અને આ સફરજન છે. પહેલા ચોખાથી 50% જેટલી બરણી ભરી દે.
પેલાએ તે પ્રમાણે કર્યું. ફરી ટ્રેનરે કહ્યું, હવે બાકીની 30% બરણી આ નાના બોરથી ભર. પેલાએ તે પ્રમાણે કર્યું. છેવટે કહ્યું, હવે આ બરણીમાં સફરજન ભર. પેલાએ શરૂઆત કરી પણ એક સફરજન માંડ અંદર આવી શક્યું. જગ્યાના અભાવે જો એ પ્રયાસ કરે તો સફરજન છૂંદાઈ જાય પણ અંદર ન આવે. પેલાએ કહ્યું, એક જ સફરજન અંદર આવી શકશે વધુ નહીં.
હવે ટ્રેનરે કહ્યું, એક કામ કર. આ બરણીમાં જેટલા નાના બોર છે એ કાઢીને એક વાસણમાં રાખ. જેટલા ચોખા છે એને બીજા વાસણમાં રાખ અને આ એક સફરજન ને પણ અલગ રાખ. પેલાએ તે પ્રમાણે કર્યું. હવે ટ્રેનરે કહ્યું, ભાઈ, મારે 4 સફરજન તો અંદર નાખવાં જ છે, માટે સૌથી પહેલા સફરજન નાખ. પેલાએ ચાર સફરજન બરણીમાં નાખ્યા. હવે બરણીમાંથી કાઢેલા નાના બોર ફરી બરણીમાં નાખવાનું કહ્યું. પેલાએ એમ કર્યું અને છેલ્લે બધાં ચોખા એમાં નંખાવ્યા તો એ પણ આવી ગયા. બરણીમાં જે નાખવું હતું તે બધું જ તેમાં આવી ગયું. જો યોગ્ય રીતે અને યોગ્ય ક્રમમાં નાખ્યું તો!
જીવન પણ એક બરણી છે, ચોખા એ સંપત્તિ, બોર એ સગા-વહાલા-મિત્રો અને સફરજન તે પરિવાર છે. આપણે જીવનને સંપત્તિ અને સગા-મિત્રોથી એટલી ભરી દઈએ છીએ કે ઘણીવાર પરિવારના સભ્યો જીવનરૂપી બરણીમાં આવી શકતા નથી. એ બહાર જ રહી જાય છે. પછી આપણે ફરિયાદ કરીએ કે, દીકરી કે દીકરો કાબૂ બહાર છે. પણ આપણી જાત સામે નથી જોતા કે મેં એના માટે જગ્યા જ નહોતી રાખી, તો બહાર જ જાય ને ! અને પરાણે રાખવાનો પ્રયાસ કરે તો છૂંદાઈ જાય.
જીવનની પ્રાયોરિટી સેટ કરતા આવડે તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય. ક્યું કામ પહેલા અને ક્યું પછી એ યોગ્ય રીતે નક્કી કરી શકીએ તો વ્યક્તિગત અને વ્યવસાયિક બંને ક્ષેત્રમાં સફળતા મળે.
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરતા પરિવાર વધુ અગત્યનો છે
– ચેતન ભગત



