સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતિની ઓફિસથી 100 મીટર દૂર દારૂની ખાલી બોટલો મળી…
અસામાજિક તત્વો યુનિ.ને મહેફિલોનો અડ્ડો બનાવે ત્યારે દીકરોઓની સુરક્ષા બાબત ચિંતાનો વિષય: કોંગ્રેસ પ્રવકતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. હવે વિદ્યાનું ધામ મટી વિવાદનું ધામ બની ગઈ છે. હજુ પેપરલીક કાંડ ચર્ચામાં છે ત્યાં જ ધન્વંતરિ ઔષધીય ઉદ્યાનમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ મામલે એવી ચર્ચાએ જોર પડક્યું છે કે આ સ્થળ પર રાત્રિ દરમિયાન દારૂની મહેફિલ થઈ છે. જેને લઈને વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતએ સ્થળપર જઈ સમગ્ર હકીકત જાણી તંત્ર આડે હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અનેક વખત કેમ્પસમાં દારૂની બોટલો અને પ્રેમીપંખીડાઓના ખરાબ વિડીયો વાયરલ થયા બાદ સતાધીશો ઘોર નિંદ્રામાં છે અને સિક્યુરિટી એજેન્સીની કામગીરી શું કરે ? લાખોના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ બાદ ગાર્ડ ક્યાં હોય છે ? વિદ્યાના ધામને પ્યાસીઓનું અડ્ડો બનતા ક્યારે અટકાવશે ? આ તત્વોના લીધે કેમ્પસમાં અભ્યાસ કરતી અને ત્યાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા બાબતે જવાબદારી કોની રહેશે ? ખાસ યુનિવર્સિટી કેમ્પસ માટે ફાળવેલ પોલીસ સ્ટેશન પેટ્રોલિંગ કરે કે નહિ તે પણ મોટો સવાલ છે ? અંતે તો બદનામી યુનિવર્સિટીની થાય છે અને તેનો લાભ ખાનગી યુનિ.ઓ લે છે તે શર્મનજક બાબત છે.
તેઓએ વિશેષ જણાવ્યું હતું કે, રાજ્યપાલે ગુજરાત યુનિ. માં વ્યક્તિગત હાજર રહી સ્વછતા અભિયાન હાથ ધર્યું હતું પરંતુ સૌરાષ્ટ્ર યુનિ.માં ક્યાંક રાજકીય ગંદકીની સાથે અસામાજિક તત્વોની ગંદકી પણ દૂર કરવી એટલી જ આવશ્યક છે જેથી વિદ્યાનાધામને બદનામ થતું અટકાવી શકાય. કુલપતિશ્રી અને અન્ય સતાધીશોએ કેમ્પસમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી વેરાન જગ્યાઓમાં ઘટતા સીસીટીવી કેમેરા નખાવીને અને નવી સિક્યુરિટી એજેન્સીને જવાબદારી સોંપીને સ્વછતા અભિયાન હાથ ધરવું જરૂરી છે. અનેક વખત વિવાદોમાં જેના લીધે યુનિવર્સિટીમાં આવી છે અને બેદરકારીઓમાં અવ્વલ આવતી આ સિક્યુરિટી ખાનગી એજેન્સીને નોટિસથી સંતોષ માણવા કરતા એજેન્સીને દૂર કરી કડક કાર્યવાહી કરવા રજુઆત કરી છે.