વાંસાવડ પાસે બે ગૌવંશનું મારણ કરી મિજબાની માણી: ફોરેસ્ટ વિભાગ એકશન મોડમાં: દીપડાને પકડવા પાંજરા મૂકાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બાદ ધોરાજી, વાસાવડ અને મેતા ખંભાળીયા વાંકાનેર વિસ્તારમાં પણ દિપડાએ દેખા દેતા ખેડૂતો માલધારીઓ અને પશુપાલકોમાં ભયનો માહોલ સાથે ફફડાટ ફેલાય જવા પામેલ છે. જેમાં વાંસાવડ વિસ્તારમાં દિપડાએ બે ગૌવંશનું મારણ કરી મિજબાની માણી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જંગલ પ્રાણીઓને ગીર જંગલ વિસ્તાર ટુંકો પડી રહ્યો હોય તેમ દિપડા-સિંહ જેવા જંગલી પ્રાણીઓએ જંગલ વિસ્તાર છોડી માનવ વસાહતમાં આંટા ફેરા મારવાનું શરુ કરી દીધુ છે. ધોરાજી વિસ્તારમાં અગાઉ ટ્રેન હડફેટે ત્રણ દિપડાના મોત થયા બાદ વધુ એક દિપડાએ દેખા દેતા ખેડુતોમાં ફફડાટ ફેલાય જવા પામેલ છે. ધોરાજીના શહેરના છેવાડાના વિસ્તારમાં દિપડાએ દેખા દેખી છે. અત્યારે રવી પાકને પાણી પીવડાવાતુ અને ખેતી કામ ચાલુ છે અને રાત્રે મજુરો અને ખેડુતો ખેતરે રહેતા હોય છે ત્યારે દિપડાએ દેખા દેતા ખેડુતો સહીતના લોકોમાં ફફડાટનો માહોલ છે આ અંગે ખેડૂતોએ વન વિભાગને દિપડો પકડવા પાંજરા મુકવા માંગણી કરેલ છે.
આ ઉપરાંત ગોંડલ પંથકમાં સિંહ અને દિપડાએ જાણે ઘર કર્યુ હોય તેમ વારંવાર દેખાડો દઈ ગૌ વંશનું મારણ કર્યાની ઘટનાઓ છાસવારે બની રહી છે. વાસાવડ તથા કેશવાળા નજીક દિપડાએ મારણ કરી આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે તે મુજબ વાસાવડ ગામના લુખેલા વાડી વિસ્તાર અને કેશવાળા રોડ પર વાસાવડી નદીના કાંઠા વિસ્તારમાં ગઈકાલે રાત્રે દિપડા દ્વારા બે ગૌ વંશનુ મારણ કરવામાં આવતા આ વિસ્તારમાં રહેતા ખેત મજુરો અને ખેડુતોમાં ભયનો માહોલ છવાયો હતો. વાડી વિસ્તારમાં રાત્રે વાડીએ જવામાં પણ સતત ડર રહેતો હોય ફોરેસ્ટ વિભાગ એકશન મોડ પર આવે તેવી માંગ ઉઠી છે.