ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
વંથલી તાલુકાના સુખપુર ગામમાં વન્યજીવોના વધતા આતંક વચ્ચે આખરે એક દીપડી પાંજરે પુરાઈ છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં વન્યપ્રાણીઓના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનું વાતાવરણ હતું.
ગામના સરપંચ અરુણભાઈ ડાંગરે આ અંગે વન વિભાગને જાણ કરતા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ. ચૌહાણ અને તેમના સ્ટાફ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ગામ પાસેથી અંદાજે 7 થી 9 વર્ષની એક દીપડી પાંજરે પુરાઈ હતી. આ દીપડીને વધુ કાર્યવાહી માટે અમરાપુર એનિમલ કેર ખાતે લઈ જવામાં આવી છે. અત્યાર સુધી સીમ વિસ્તારમાં જોવા મળતા વન્યપ્રાણીઓ હવે ગામની નજીક આવી રહ્યા હોવાથી ગ્રામજનોમાં ભયની લાગણી વધુ ફેલાઈ છે. ગ્રામજનોએ વન વિભાગને આ વિસ્તારમાં વન્યપ્રાણીઓના આંટાફેરા અટકાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સરપંચે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બાવળ અને ઝાડી ઝાંખરાનું પ્રમાણ ખૂબ જ વધારે છે, જેના કારણે વન્યજીવોએ અહીં રહેઠાણ બનાવી લીધું છે. આ જંગલની ગીચતાને લીધે વન્યપ્રાણીઓના હુમલાના બનાવો વધ્યા છે. અગાઉ વંથલી મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી નથી. લોકોને હુમલાથી બચવા માટે આ જંગલ કટિંગની તાત્કાલિક કામગીરી કરવા માંગ કરી છે.