લીંબુના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોનો બોલાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબી અને આસપાસના વિસ્તારોમાં લીંબુ પકવતા ખેડૂતો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બજારમાં લીંબુના ભાવમાં અસાધારણ ઘટાડો નોંધાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લીંબુના ભાવ તળિયે પહોંચી ગયા છે, જેમાં સૌથી નીચો ભાવ માત્ર 60 રૂપિયા પ્રતિ કિલો બોલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબુની આવક વધવા અને બજારમાં માંગ ઓછી થવાને કારણે ભાવમાં આ મોટો કડાકો બોલાયો છે. ખેડૂતોએ મોટા ખર્ચે લીંબુનું વાવેતર કર્યું હતું અને સારા ભાવની અપેક્ષા રાખી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તેમને વાવેતરનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. ઘણા ખેડૂતો તો પોતાના ખેતરમાંથી લીંબુ ઉતારવાનું પણ માંડી વાળી રહ્યા છે, કારણ કે ઉતારવાનો અને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ તેમને પોસાતો નથી.
લીંબુના ભાવમાં આવેલા આ કડાકાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે. સરકાર દ્વારા તાત્કાલિક કોઈ સહાય કે ભાવ સ્થિરીકરણ માટેના પગલાં લેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી તેમને આ કપરા સંજોગોમાંથી બહાર લાવી શકાય. લીંબુના આ નીચા ભાવે ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી છે.



