પાણીની તંગી સર્જાતા બે દિવસમાં જ ટેન્કરના 68% ફેરા વધ્યા
સાત જિલ્લાના 66 ગામોમાં પ્રતિદિન ટેન્કરના ફેરાનો આંકડો 320એ પહોંચ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના સાત જિલ્લામાં પીવાના પાણીનો કકળાટ વધ્યો છે, છેલ્લા બે દિવસના સમય ગાળામાં ટેન્કરોના ફેરામાં 68 ટકા જેટલો જંગી ઉછાળો નોંધાયો છે, ગત 17મી જુને એક જ દિવસમાં ટેન્કરના 218 ફેરા મારફત લોકોને પીવાનું પાણી પૂરું પડાયું હતું. જોકે 19મી જુનની સ્થિતિએ એક જ દિવસમાં ટેન્કરના ફેરાની સંખ્યા વધીને 320 પહોંચી છે.
રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં સૌથી વધુ ટેન્કરોની દોડાદોડ થઈ છે. રાજ્યના પાણી પુરવઠા બોર્ડના સૂત્રો કહે છે કે, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના કુલ 66 ગામોમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આ 66 ગામોમાં ટેન્કરના 320 ફેરા મારવામાં આવ્યા છે, રાજ્યમાં વિવિધ ઠેકાણે કુલ 57 ટેન્કરો દોડાવાયા છે, જેમાં 55 ખાનગી, એક ખાતાકીય અને 1 જિલ્લા પંચાયતના ટેન્કર સામેલ છે. પાઈપ લાઈનમાં ભંગાણ સહિતના કારણે ટેન્કર મારફત પાણી આપવું પડી રહ્યું છે.
રાજકોટ જિલ્લાના 14 ગામોમાં 136 ફેરા લગાવાયા છે, જે પૈકી કોટડા સાંગાણીના એક ગામમાં 12 ફેરા, પડધરીના 4 ગામમાં 11 ફેરા, રાજકોટ તાલુકાના 5 ગામમાં 67 ફેરા, લોધિકા તાલુકાના 2 ગામમાં 36 ફેરા, વીંછિયાના 2 ગામમાં ટેન્કરના 10 ફેરા મારફત ટેન્કરથી પાણી પૂરું પડાયું છે. બનાસકાંઠા જિલ્લાના 18 ગામોમાં ટેન્કરના 61 ફેરા લગાવાયા છે, જે પૈકી અમીરગઢમાં 5 ફેરા, થરાદમાં 1, વાવમાં 38 ફેરા મારફત પાણી પૂરું પડાયું છે.