રાહુલ ગાંધી નિષ્ફળ ગયા કારણ કે કોંગ્રેસના નેતા તરીકે એમને ભાજપના ઈતિહાસની સૌથી સફળ અને ક્રૂર (રાજકીય સોગઠાબાજીના સંદર્ભમાં) લીડરશિપનો સામનો કરવાનો આવ્યો. આવી લીડરશિપનો પડકાર રાહુલ તો ઠીક, પણ કોંગ્રેસના ઈતિહાસમાં કોઈએ ઝીલ્યો નહોતો. માટે કોઈની પાસે એ અનુભવ નહોતો કે નરેન્દ્ર મોદી એન્ડ કંપનીનો સામનો કેવી રીતે કરવો. સામનો તો દૂરની વાત, પણ મોદીનું ભાજપ જે રણનીતિ અખત્યાર કરી રહ્યું હતું એ જ કોંગ્રેસને સમજાતી નહોતી. એ સમજાઈ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ગયું હતું. કોંગ્રેસ ઘણું બધું ગુમાવી ચૂકી હતી.
– તુષાર દવે
એકવીસમી સદીના બીજા દાયકાના બીજા વર્ષથી દેશમાં જે રાજકીય સ્થિતિઓ શરૂ થઈ એના માટે આપણે કહી શકીએ કે કોંગ્રેસની નિષ્ફળતામાંથી જ ભાજપની સફળતાનો જન્મ થયો. (જોકે, એ સફળતાના બીજ તો ક્યારના યે રોપાઈ ગયેલા.) ઘણાં કોંગ્રેસીઓ આ વાત 2014ની લોકસભા ચૂંટણી પહેલા જ જાણતા હતા. એ સુપેરે જાણી ગયા હતા કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ જઈ રહી છે. દેશભરમાં પ્રવાસો કરતા અને રાહુલ ગાંધીના સીધા સંપર્કમાં રહેતા અને પડદા પાછળ જ રહીને વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના સંગઠનનું કામ કરતા એક ગુજરાતના યુવા કોંગ્રેસી મિત્ર સાથે મારે 2013માં ચર્ચા થઈ રહી હતી. મેં એમને પૂછેલું કે તમે તો દેશભરમાં ફરો છો? દેશનો મિજાજ શું લાગે છે? એમણે એક સેકન્ડ પણ ખચકાયા વિના કહી દીધેલુ કે અમારી સરકાર જઈ રહી છે.
- Advertisement -
જોકે, એ સરકાર જે રીતે ગઈ અને ભાજપને જે હદે બહુમતી મળી એનો અંદાજ કદાચ બહુ ઓછા લોકોને હશે. ભલભલા પોલિટિકલ પંડિતો પણ છક થઈ ગયેલાં. એ સમયગાળાનો નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસ અને લાંબા ગાળાના પ્લાનિંગ પરથી એવું કળી શકાય કે એમને એ પરિણામનો અંદાજ હતો. અહીં એ હકીકતની પણ નોંધ લેવી પડે કે સોશિયલ મીડિયા પર એ સમયે (ખાસ કરીને અન્ના હજારે અને બાબા રામદેવના આંદોલન વખતે) જે ચાલી રહ્યું હતું એની અસરોનો અંદાજ લગાવવામાં કોંગ્રેસ બહુ કાચી સાબિત થઈ. કોંગ્રેસ પરંપરાગત રાજકારણ રમતી ગઈ અને ભાજપે નવા હથિયારોથી રાજકીય યુદ્ધનું પરિણામ બદલી નાંખ્યું. એનું કારણ એ પણ છે કે ભાજપના હથિયારો ભલે નવા હોય, પણ એમણે વાપરેલો દારૂગોળો એ જ હતો જેની પ્રેક્ટિસ ભાજપને વર્ષોથી હતી. ભાજપ કોંગ્રેસને એ મેદાન પર ઢસડી ગયું જે કોંગ્રેસ માટે નવું હતું.
જોકે, 2014 બાદ દેશમાં જે સ્થિતિઓ સર્જાતી ગઈ એના માટે ચોક્કસ આપણે માનવું પડે કે એ પછીની ભાજપની સતત સફળતા એ કોંગ્રેસની નિષ્ફળતા નહોતી, પણ ભાજપની સફળતા એ જ કોંગ્રેસની નિષ્ફળતા હતી.
કોંગ્રેસ અત્યારે જે લીડરશીપ ક્રાઈસિસમાંથી પસાર થઈ રહી છે એના મૂળ આજ-કાલમાં નહીં, પણ કોંગ્રેસ અને દેશના પોલિટિકલ ઈતિહાસમાં છુપાયેલા છે. રાહુલ ગાંધી નિષ્ફળ ગયા કારણ કે કોંગ્રેસના નેતા તરીકે એમને ભાજપના ઈતિહાસની સૌથી સફળ અને ક્રૂર (રાજકીય સોગઠાબાજીના સંદર્ભમાં) લીડરશિપનો સામનો કરવાનો આવ્યો. આવી લીડરશિપનો પડકાર રાહુલ તો ઠીક, પણ કોંગ્રેસના ઈતિહાસમાં કોઈએ ઝીલ્યો નહોતો. માટે કોઈની પાસે એ અનુભવ નહોતો કે નરેન્દ્ર મોદી એન્ડ કંપનીનો સામનો કેવી રીતે કરવો. સામનો તો દૂરની વાત, પણ મોદીનું ભાજપ જે રણનીતિ અખત્યાર કરી રહ્યું હતું એ જ કોંગ્રેસને સમજાતી નહોતી. એ સમજાઈ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ગયું હતું. કોંગ્રેસ ઘણું બધું ગુમાવી ચૂકી હતી.
2014 પછી કોંગ્રેસની ભૂલ એ થઈ કે તેઓ મોદી-શાહની જોડીનો મુકાબલો અટલ-અડવાણીની જોડીની જેમ કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે અગાઉ પણ મોદી ગુજરાતમાં હતાં ત્યારથી મોદીને અંડરએસ્ટિમેટ કરવાની ભૂલ કરી ચૂકી હતી અને એના જ પરિણામો ભોગવી રહી હતી. જે વાત ગુજરાતના અનુભવી પત્રકારો અને શંકરસિંહ વાઘેલા સારી રીતે સમજે છે.
- Advertisement -
ખેર, પણ મોદી-શાહ એ અટલ-અડવાણી નહોતા. એમને માત્ર સત્તા જોઈતી જ નહોતી, પણ ટકાવી પણ રાખવી હતી. સત્તા ટકાવવાની પ્રેક્ટિસ તેઓ ગુજરાતમાં ત્રણ વાર કરી ચૂક્યા હતા. આ વખતે મેદાન અલગ હતુ કારણ કે ભારત એ ગુજરાત નહોતું. પ્રથમવાર સત્તા મેળવવા તેમણે માત્ર કોંગ્રેસની યુપીએ સરકારની બે ટર્મની એન્ટી ઈન્કમ્બન્સી જ નહીં, પણ કોંગ્રેસ સામેની ઓલમોસ્ટ અડધી સદીની એન્ટી ઈન્કમ્બન્સીનો ઉપયોગ કર્યો. કોંગ્રેસમૂક્ત ભારત અભિયાન સાથે જ મોદીએ કોંગ્રેસ જેના પર મુસ્તાક હતી એ જ લેગસીના (ગાંધી પરિવાર) પાયાને લૂણો લગાડવાની શરૂઆત કરી દીધેલી. કોંગ્રેસ નેતૃત્વ માટે વર્ષો સુધી જેના પર અવલંબીત રહેલી એ જ પરિવારની શાખના ખાત્માની એ શરૂઆત હતી. એ શાખનું ધોવાણ અગાઉ ઘણું થયેલું પણ મોદી-શાહ એના પાયા જ હચમચાવી રહ્યાં હતાં. કોઈપણ વાત 60 વર્ષના ઈતિહાસથી જ શરૂ થતી.
મોદી-શાહની ઝડપ અનબિલિવેબલ હતી. તેઓ અંદર અને બહાર બન્ને મોરચે એક સાથે કલ્પનાતિત ઝડપે દુશ્મનોને સાફ કરી રહ્યાં હતાં. આ જોડીનો એક જ નિયમ રહ્યો છે કે જે દસ વર્ષ પછી પણ નડે એવો લાગતો હોય એ માણસનો રસ્તો આજે જ કરી નાંખવો. દસ વર્ષ બાદ એ નડે ત્યાં સુધીની રાહ ન જોવી. એમની પાસે દરેક વ્યક્તિનો અલ્ટરનેટિવ હતો જ્યારે અપવાદોને બાદ કરતાં કોંગ્રેસે ક્યારેય ગાંધી પરિવાર પછી કોણ એની કલ્પના કે પ્લાનિંગ કર્યા નહોતાં. કંપની કે નેતૃત્વ કોઈપણ હોય તેમને અલ્ટિમેટલી ટારગેટ અચિવ થાય એનાથી એટલે કે પરિણામથી નિસબત હોય છે અને રાજનીતિમાં કોઈપણ ભોગે જીત સિવાય બીજી કોઈ નીતિ હોતી નથી. એ મુદ્દે મોદી-શાહ ખુબ ક્લિયર હતા કે પરિણામનો મતલબ છે સંઘના આશીર્વાદ. ના મામા કરતા કહેણો મામો સારોના ન્યાયે સત્તા પર કોઈપણ બેસે પણ પોતાનો બેસે એ તો સંઘને પણ જોઈતું હોય. સંઘને પણ કોઈપણ ભોગે અને કોઈપણ નામે પોતાનો સંઘ કાશીએ પહોંચે એ ગમવાનું જ હતું.
મોદી-શાહે કોંગ્રેસ અને ગાંધી પરિવાર સામેની એન્ટી ઈન્કમ્બન્સીના દારૂગોળાને આગ લગાવી. જેની જામગરી હતી સોશિયલ મીડિયા. (ત્યારે જે શરૂ થયેલું એમાં 2014 બાદ ફેસબુકે પણ કેવી રીતે મદદ કરેલી એના વિવાદના પોટલા હવે ખુલી રહ્યાં છે.) ભાજપ-સંઘ સમર્થિત સોશિયલ મીડિયા ગેંગે આ ક્ષેત્રે એ હદે રમખાણ મચાવ્યું કે આખો ઈતિહાસ ઊંધો-ચત્તો થઈ ગયો અને કોંગ્રેસ ઊંઘતી જ રહી ગઈ. પ્રજા કોંગ્રેસના વિરોધમાં મત આપવા તૈયાર હતી હવે તેમની સમક્ષ એક મજબૂત વિકલ્પ મુકવાનો હતો. પચાસ ટકા કામ તો એનાથી જ થઈ જવાનું હતું. એના માટે ગુજરાતનું વિકાસ મોડલ અને મોદી નામની બ્રાન્ડ તો રિવરફ્રન્ટ, વાઈબ્રન્ટ ગુજરાત જેવા માધ્યમોથી વર્ષોથી તૈયાર થઈ જ રહી હતી. તેમણે પ્રજા સમક્ષ વિકાસમિશ્રિત હિન્દુત્ત્વનો ચહેરો રજૂ કર્યો. એ વિકાસના વરખમાં હિન્દુત્ત્વનું પડિકું હતું. એ સમયે વિકાસ આગળ હતો અને હિન્દુત્ત્વ થોડું પાછળ. પબ્લિક માટે બન્ને ઓપ્શન હતા. કટ્ટર હોય એ હિન્દુત્ત્વ માટે મોદીને મત આપે ન હોય તેઓ વિકાસ માટે. સાથે કોંગ્રેસ ખુબ જ ભ્રષ્ટાચારી છે અને અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ એવું વચન તો એક સાથે એક ફ્રીની સ્કિમ મુજબ ઉપલબ્ધ જ હતું. મીડિયા અને સોશિયલ મીડિયા ઉગતા સૂર્યને પૂજી રહ્યાં હતાં. મોદી છવાઈ રહ્યાં હતાં. કોંગ્રેસ જનમાનસ પારખવામાં નિષ્ફળ જઈ રહી હતી.
2019 સુધીમાં ફરક એ આવ્યો કે હિન્દુત્વ સહેજ આગળ સરક્યુ અને વિકાસ સહેજ પાછો ખેંચવામાં આવ્યો અને આ કાતિલ કોકટેલમાં ટેસ્ટેડ ફોમ્ર્યૂલાની જેમ સમયાંતરે દેશદાઝનું યોગ્ય માત્રામાં ઉમેરણ કરવામાં આવ્યું. મોદી-શાહ એ સારી રીતે સમજતા હતા કે શાસન કરવાના પગલા અલગ હોય અને ચૂંટણી જીતવાના ફંડા અલગ હોય છે. ચૂંટણી લોકલાગણીના ઉભરાથી જીતી શકાય, સેન્સેક્સના ગણિતથી કે જીડીપીની ગણતરીથી નહીં. અટલ-અડવાણીએ અહીં જ થાપ ખાધી હતી. તેઓ હિન્દુત્વના મુદ્દે સત્તા પર આવીને મવાળવાદી બનવા ગયાં અને હિન્દુઓને છેતરાયાની લાગણી થઈ. (ભાજપને હિન્દુત્ત્વના નામે સત્તા મળે એના માટે કોંગ્રેસે વર્ષો સુધી સેક્યુલારિઝમના નામે કરેલી મુસ્લિમોની આળપંપાળ પણ એટલી જ જવાબદાર હતી.) અડવાણીએ પાકિસ્તાનમાં જીન્નાની મજાર પર માથુ નમાવીને જે વચનો કહ્યાં એનાથી એ છેતરાયાની લાગણીને વધુ બળ મળ્યું. વળી, અટલે જે કારણોસર જનાધાર ખોયો એ પૈકી જે એક મજબૂત કારણ હતું એ કારણમાં મોદી ગુજરાતમાં ડિસ્ટિંક્શન મેળવી રહ્યાં હતાં. હેશટેગ ગુજરાત રમખાણ. હેશટેગ રાજધર્મ. રાજધર્મ ત્યારે જ પાળી શકાય જ્યારે રાજ હોય.
હા, તો અટલ-અડવાણી માત્ર હિન્દુઓના નહીં, દેશનેતા અને વિશ્વનેતા બનવા ગયા. મોદીએ પણ એ કર્યું, પણ હિન્દુઓના નેતા મટવાના ભોગે નહીં. 2014થી 2019 દરમિયાન હિન્દુવાદી તત્ત્વોને જે હદે છૂટો દોર મળ્યો એ માત્ર એ દર્શાવવા માટે જ હતો કે ગમે તે કહો, પણ ’આ આપણી સરકાર છે’ અને સિનિયર પત્રકાર પ્રશાંત દયાલ કહે છે એમ નેશનલ લેવલે પણ ’કોંગ્રેસ આવશે તો મિયાં મારશે’ના ભ્રમને ઉત્તેજન આપવામાં આવ્યું.
આ માત્ર ભાજપની વિજયકુચની ફોમ્ર્યૂલાનું એક ઉપરછલ્લુ વિશ્લેષણ છે. આમાં હજૂ પેટાપ્રકારો પાડી શકાય. મતમતાંતર પણ હોઈ શકે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીનો રાજકીય અને સમાજ શાસ્ત્રીય દૃષ્ટીએ પી.એચડી. જેટલો અભ્યાસ થઈ શકે. આટલી પૂર્વભૂમિકા એટલા માટે આપી કે કોંગ્રેસની હાલની લીડરશિપ ક્રાઈસિસ વિશે હું મારી વાત મુકી શકું.
કોંગ્રેસ એ ભાજપ નથી. કોંગ્રેસ માત્ર એક પક્ષ નહીં, પણ કલ્ચર છે. સોનિયા ગાંધીને કામચલાઉ પ્રમુખપદ સોંપવું એ કોંગ્રેસની મજબૂરી છે. કોંગ્રેસનું પ્રમુખપદ અને રાજકારણ વર્ષોથી ગાંધી પરિવારની આસ-પાસ જ ફરતું રહ્યું છે. જ્યારે જ્યારે નેતૃત્ત્વમાંથી ગાંધી પરિવારના લોકોને હટાવવામાં આવ્યા ત્યારે અપવાદને બાદ કરતા કાં તો એ કોંગ્રેસ પતી ગઈ અથવા હટાવવાનો પ્રયાસ કરનારાઓને હટાવી દેવામાં આવ્યાં. સતત ગાંધી પરિવારની જ છત્રછાયા હેઠળ જીત મળતી હોવાથી કોંગ્રેસીઓ એનાથી ટેવાઈ ગયાં. જ્યારે કોઈ વિકલ્પ ન મળે ત્યારે ગાંધી પરિવારના શરણે જ જવા લાગ્યાં. એમની ગાંધી પરિવાર પ્રત્યેની વફાદારી ભક્તિ કહી શકાય એ હદ સુધી વિસ્તરી ગઈ. એના કારણો પણ છે. ઈન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી હટાવ્યા ત્યારે હટાવનારી કોંગ્રેસ પતી ગઈ અને ઈન્દિરા ગાંધીની જ કોંગ્રેસ સર્વાઈવ કરી ગઈ. સોનિયા ગાંધીના હાથમાં કોંગ્રેસની કમાન સોંપાઈ ત્યારે પણ નેતૃત્ત્વ મુદ્દે એવી સ્થિતિ હતી કે આખું રાવણું રમતું ભમતું રાવણું સોનિયા પાસે ગયેલું. સોનિયાનો વિરોધ કરીને પક્ષમાંથી નીકળેલા શરદ પવારે અંતે તો સોનિયાના નેતૃત્ત્વવાળી મનમોહન સિંઘની સરકારમાં જ સાથે બેસવું પડેલું.
સંજોગવશાત એક પરિવાર પરના આ હદના અવલંબનના પગલે બન્યું એવું કે છેલ્લા બે દાયકામાં એ પક્ષમાં એવી કોઈ લીડરશિપ જ ન બચી કે જે રાષ્ટ્રીયસ્તરે પક્ષનું નેતૃત્વ કરી શકે અને તેને પક્ષમાંથી સર્વસ્વીકૃતિ પણ મળે. કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયાના નામના એલાનની સાથે જ સોશિયલ મીડિયા પર જોક્સ ચાલી રહ્યાં છે ત્યારે અહીં એ વાત ભારપૂર્વક નોંધવી પડે કે સરકારનું નેતૃત્ત્વ કરવામાં અને પક્ષનું નેતૃત્ત્વ કરવામાં જમીન-આસમાનનો ફરક છે. પૂર્ણ બહુમતીવાળી સરકારનું નેતૃત્ત્વ પાતળી બહુમતીવાળા પક્ષનું નેતૃત્ત્વ કરવા કરતા ઘણુ સરળ હોય છે. સરકારમાં વફાદારીના આધારે લીધેલા મંત્રી મંડળના સભ્યો અને સરકારી નોકરિયાત બાબુઓ પર જ શાસન કરવાનુ હોય છે જ્યારે પક્ષમાં સારાં-નઠારાં તમામ તત્વોને એક-બીજા સાથેના વાંધા-વિરોધ સાથે એક તાંતણે બાંધી રાખવાના હોય છે. આ કામ કરનારી નિર્ણાયક સંસ્થા અથવા તો વ્યક્તિ હાઈકમાન્ડ તરીકે ઓળખાય છે. હાલ સ્થિતિ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉપર જણાવેલા કારણોસર ભાજપના હાથે વારંવારની પછડાટો ખાઈને કોંગ્રેસના હાઈકમાન્ડનો પક્ષ પરનો ’કમાન્ડ’ ઓછો થયો છે, અને જંગલનો નિયમ છે કે જે શક્તિશાળી હોય એની જ ત્રાડનું મહત્વ હોય. રાજા નબળો થાય તો એની નીચે રહેલા લોકો પણ એને ગણકારવાનું બંધ કરી દે. રાજકારણમાં આ નિયમ સેંકડોમાં લાગુ પડી જાય છે. તમે સહેજ નબળા પડો કે તમારી નીચેનાઓ જ તમને ફાડી ખાવા તત્પર હોય.
આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષપ્રમુખ પસંદ કરવામાં સહેજ પણ ચૂક કરે એટલે પક્ષની સ્થિતિ આનાથી પણ બદતર થતા વાર ન લાગે. નવા પ્રમુખની પસંદગી સામે અન્ય દાવેદારને સહેજ વાંકુ પડે એટલે પક્ષમાં અંદરોઅંદર અસંતોષ અને હુંસાતુંસી શરૂ થવામાં વાર ન લાગે અને નસીબ વધુ વાંકા હોય તો પક્ષના ભાગલાની પણ સ્થિતિ ઉદભવી શકે. જે અગાઉ પણ થઈ ચૂકી છે. પક્ષપ્રમુખ પ્રજા માટેનો નહીં, પણ પક્ષ માટેનો ચહેરો હોય છે. તમારો વડાપ્રધાન કે મુખ્યમંત્રી તરીકે પ્રસ્તુત કરાતો ચહેરો પ્રજા માટે હોય, પક્ષ પ્રમુખ નહીં. પક્ષપ્રમુખ સિનિયર હોવો જોઈએ. જેથી બધા એને ઉંમર અને અનુભવના કારણે બાય ડિફોલ્ટ માન આપતા હોય. જે આંખ બતાવી કે સમજાવટથી આંતરિક ડખા પૂરા કરાવી શકે. એ દૃષ્ટિએ પક્ષપ્રમુખ યુવાન ન ચાલે. (સિવાય કે એ ગાંધી પરિવારનો હોય!) એ પક્ષમાં બધાંને ’બધી રીતે’ ઓળખતો હોવો જોઈએ. એટલું જ નહીં એ ગળથૂથીથી પક્ષને ઓળખતો હોવો જોઈએ. (ગળથૂથીમાં પક્ષનો એજન્ડા પીવડાવવાના મુદ્દે અહીં ભાજપ સ્કોર કરી જાય કારણ કે સંઘ બાળકોને ભાવિ નેતા કે પ્રચારક તરીકે તૈયાર કરે છે.) પક્ષમાં એની બાય ડિફોલ્ટ રિસ્પેક્ટ હોવી જોઈએ. કોંગ્રેસની લીડરશિપ કરવા માટે એ ગાંધી પરિવારનો વિશ્વાસુ હોવો જોઈએ અને ગાંધી પરિવારને એનામાં વિશ્વાસ હોવો જોઈએ. આમાંથી એકપણ ગુણમાં સહેજ પણ ચૂક થાય એટલે યાદવાસ્થળી નક્કી. અને સૌથી મોટી વાત એ કે યુપીએ જેવા શંભુમેળાં રચવાના થતાં હોય ત્યારે તો પક્ષપ્રમુખનું વર્ચસ્વ અને વ્યક્તિત્ત્વ અને પક્ષોમાં પણ પ્રભાવ પાડી શકે તેવું અને અનુભવી હોવું જોઈએ અને સોનિયા ગાંધીને એનો લાંબો અનુભવ છે.
કોંગ્રેસમાં ખાટલે મોટી ખોડ એ છે કે આ તમામ ગુણો હોય એવો સોનિયા સિવાયનો કોઈ નેતા હાલ નથી દેખાતો. માટે હાલ પૂરતા સોનિયા ગાંધી કોંગ્રેસ માટે અનિવાર્ય અનિષ્ટ છે. ભક્ત કોંગીજનો ભલે ’પ્રિયંકા પ્રિયંકા’ કરીને ઉછળતા હોય, પણ એની પાછળ રહેલો રોબર્ટ વાડ્રા નામનો પડછાયો ઘાતક છે. એ નિર્ણય બૂમરેંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ભાજપે રોબર્ટનો કેસ બરાબર ક્લચમાં રાખેલો છે. પ્રિયંકાની હાલત રાહુલ જેવી કરતા ભાજપને બહુ વાર ન લાગે. બીજી વાત એ કે કોંગ્રેસ એક એવી મુસિબતનો સામનો કરી રહી છે જે આ પેઢીના કોંગ્રેસીઓએ ભાગ્યે જ ક્યારેય જોઈ હશે. એ મુસિબત છે ગાંધી પરિવારની જનમાનસમાં તળિયે ગયેલી છાપ અને એમણે ગુમાવેલી વિશ્વસનિયતા. અગાઉ લીડરશિપ ક્રાઈસિસ સર્જાય ત્યારે રાવણું વાજતું-ગાજતું ગાંધી પરિવારના શરણે જાય એટલે લગભગ વાત પતી જતી. નજીકના ભૂતકાળમાં કદાચ પ્રથમવાર કોંગ્રેસની સામે એ પ્રશ્ન મોં ફાડીને ઊભો છે કે ગાંધી પરિવાર નહીં તો કોણ? પૂર્વમાંથી નામ આવે તો પશ્ચિમમાં આગ લાગે છે અને પશ્ચિમમાંથી નામ આવે તો દક્ષિણ ભડકે બળે એમ છે. એટલે બધા બઘવાયેલા છે અને ના છૂટકે અથવા એમ કહી શકાય કે જખ મારીને સોનિયાને કામચલાઉ પ્રમુખ બનાવવા પડ્યાં છે.
મારા મતે 2012માં 2014નું વડાપ્રધાન પદ રાહુલ બાબા માટે અનામત કરવાની લ્હાયમાં કોંગ્રેસ જે ભૂલ કરી ગઈ એના પરિણામ તે આજે ભોગવી રહી છે. 2012માં કોંગ્રેસે પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ બનાવી દીધા. જેથી 2014માં બહુમતી આવે તો રાહુલના માર્ગમાં એ સિનિયર નેતા ન હોય.
ખેર, આ ચિંતા આપણે એટલા માટે કરવી પડે કારણ કે તંદુરસ્ત લોકશાહી માટે મજબૂત વિપક્ષ પણ જરૂરી હોય છે અને મજબૂત વિપક્ષ માટે કોઈ પક્ષપ્રમુખ તો જોઈશે કે નહીં? હોવ….
ફ્રી હિટ : જ્યારે કોંગ્રેસ પાસે સત્તા આવી ત્યારે સોનિયા ગાંધી વડાપ્રધાન બન્યા નહીં કે બનવા ન દેવાયા અને રાહુલ ગાંધી (કોઈ પણ રીતે) તૈયાર નહોતા. રાહુલ તૈયાર થયા ત્યારે સત્તા કરવા જેવું કંઈ બચ્યું નહોતું. હોવ…
મોદી-શાહ એ સારી રીતે સમજતા હતા કે શાસન કરવાના પગલા અલગ હોય અને ચૂંટણી જીતવાના ફંડા અલગ હોય છે. ચૂંટણી લોકલાગણીના ઉભરાથી જીતી શકાય, સેન્સેક્સના ગણિતથી કે જીડીપીની ગણતરીથી નહીં. અટલ-અડવાણીએ અહીં જ થાપ ખાધી હતી. તેઓ હિન્દુત્વના મુદ્દે સત્તા પર આવીને મવાળવાદી બનવા ગયાં અને હિન્દુઓને છેતરાયાની લાગણી થઈ. (ભાજપને હિન્દુત્ત્વના નામે સત્તા મળે એના માટે કોંગ્રેસે વર્ષો સુધી સેક્યુલારિઝમના નામે કરેલી મુસ્લિમોની આળપંપાળ પણ એટલી જ જવાબદાર હતી.) અડવાણીએ પાકિસ્તાનમાં જીન્નાની મજાર પર માથુ નમાવીને જે વચનો કહ્યાં એનાથી એ છેતરાયાની લાગણીને વધુ બળ મળ્યું. વળી, અટલે જે કારણોસર જનાધાર ખોયો એ પૈકી જે એક મજબૂત કારણ હતું એ કારણમાં મોદી ગુજરાતમાં ડિસ્ટિંક્શન મેળવી રહ્યાં હતાં. હેશટેગ ગુજરાત રમખાણ. હેશટેગ રાજધર્મ. રાજધર્મ ત્યારે જ પાળી શકાય જ્યારે રાજ હોય.
મોદી-શાહની ઝડપ અનબિલિવેબલ હતી. તેઓ અંદર અને બહાર બન્ને મોરચે એક સાથે કલ્પનાતિત ઝડપે દુશ્મનોને સાફ કરી રહ્યાં હતાં. આ જોડીનો એક જ નિયમ રહ્યો છે કે જે દસ વર્ષ પછી પણ નડે એવો લાગતો હોય એ માણસનો રસ્તો આજે જ કરી નાંખવો. દસ વર્ષ બાદ એ નડે ત્યાં સુધીની રાહ ન જોવી. એમની પાસે દરેક વ્યક્તિનો અલ્ટરનેટિવ હતો જ્યારે અપવાદોને બાદ કરતાં કોંગ્રેસે ક્યારેય ગાંધી પરિવાર પછી કોણ એની કલ્પના કે પ્લાનિંગ કર્યા નહોતાં.