પરેશ રાવલને લેવા મુંબઈ અને રવીન્દ્ર જાડેજા માટે જામનગર ખાસ અમદાવાદથી પ્લેન મોકલાયાં
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે બહારથી આવનારા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓએ છેલ્લા એક જ અઠવાડિયામાં ચાર્ટર્ડ પ્લેનના 200 તથા હેલિકોપ્ટરના 350 ફેરા કરી લીધા છે અને હજુ તે ચાલુ જ છે. રાજ્યભરમાં ચૂંટણી સભાઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે રાજકીય પક્ષોએ ચૂંટણીમાં પ્રચાર માટે ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે. ગુજરાતમાં હાલ ચાર્ટર્ડ પ્લેનનો જાણે ‘શટલ’ની જેમ ઉપયોગ થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં રાજકીય પક્ષોએ ચાર્ટર્ડ પ્લેનના 200 અને હેલિકોપ્ટરના 350 ફેરા કરી લીધા છે.
- Advertisement -
કોંગ્રેસે પ્રચાર માટે વધુ એક હેલિકોપ્ટર અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતાર્યું છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર સોમવારથી વિવિધ પક્ષના સ્ટાર પ્રચારકોની પણ મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે. સોમવારે પરેશ રાવલ અને તેમના દીકરા પાર્થ રાવલને મુંબઈ અને રવીન્દ્ર જાડેજાને જામનગર લેવા અમદાવાદથી સ્પેશિયલ ચાર્ટર્ડ મોકલાયું હતું. જ્યારે કિરીટસિંહ વાઘેલા પણ ચાર્ટર્ડ પ્લેનમાં ભાવનગર પહોંચ્યા હતા. જોકે અત્યાર સુધી યુપીના સીએમ યોગી આદિત્યનાથ તેમ જ અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઈરાની, રવિશંકર પ્રસાદ આવી ચૂક્યાં છે.
દમણમાં લોકસભા સભ્ય પરેશ રાવલના પ્લેના ટેકઓફ-લેન્ડિંગ માટે સ્પેશિયલ દિલ્હીથી કોસ્ટ ગાર્ડની મંજૂરી લેવાઈ હતી. અન્ય લોકસભાના મેમ્બર રવિશંકર પ્રસાદને લેવા ગયેલું ચાર્ટર્ડ રાજકોટ એરપોર્ટ પર એટીસીના વોચ અવર્સ પૂરા થઈ જતા સ્પેશિયલ કેસમાં મંજૂરી લઈ ટાવર ઓપન રખાયું હતું.