હલકી ગુણવત્તાનાં કારણે ડસ્ટબીન તૂટવા લાગી
ખાસ-ખબર સંવાદદાતા
‘ખાસ-ખબર’ની જૂનાગઢ આવૃત્તિમાં છેલ્લાં બે દિવસથી જૂનાગઢ મહાપાલિકા દ્વારા શહેરમાં મૂકાયેલી ડસ્ટબીન અંગે તસવીરો સાથેનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો જેનાં પડઘારૂપે મનપાનાં વિરોધ પક્ષનાં નેતાએ વિગતો માગી હોવાનું સામે આવ્યું છે. મહાનગર પાલીકા દ્વારા શહેરમાં ઠેર-ઠેર કુલ 2 હજાર જેટલી ડસ્ટબીન મૂકવામાં આવી છે. કેટલીક ડસ્ટબીન ગાયબ થઇ ગઇ છે, તો કેટલીક તુટી ગઇ છે. તેમજ જરૂર ન હોય તેવી જગ્યાએ ડસ્ટબીન મૂકી દેવામાં આવી છે. અનેક જગ્યાએ ડસ્ટબીન બીનઉપયોગી બની છે. મનપા દ્વારા ખોટો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. જરૂરી જગ્યાએ ડસ્ટબીનની મુકવામાં કોઇ વાંધો ન હોય. પરંતુ એવી અનેક જગ્યા છે જ્યાં ડસ્ટબીનની કોઇ જરૂરીયાત નથી. છતા પણ મનપા દ્વારા ડસ્ટબીન મુકી દેવામાં આવ્યાં છે. કેટલીક જગ્યા તો એવી છે કે લોકો કચરો પણ નાખવા જઇ શકે તેમ નથી. ત્યાં પણ ડસ્ટબીન મુકી દેવામાં આવી છે.
- Advertisement -
જૂનાગઢમાં મનપા દ્વારા મુકવામાં આવેલી ડસ્ટબીનને લઇ વિવાદ ઉઠી રહ્યો છે. ત્યારે જૂનાગઢ મનપાનાં વિરોધ પક્ષનાં નેતા અદ્રેમાનભાઇ પંજાએ કમિશ્ર્નરને પત્ર પાઠવી ડસ્ટબીનની વિગતો માંગી છે. અદ્રેમાનભાઇ પંજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપા દ્વારા કચરા માટે ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે. પાઇપ ફીટ કરી ડસ્ટબીન મુકવામાં આવી છે. કેટલીક જગ્યાએ ડસ્ટબીન છે નહી. કેટલીક જગ્યાએ હલકી ગુણવત્તાનાં કારણે ડસ્ટબીન તુટી ગઇ છે. કેટલીક જગ્યાએ પાઇપ નીકળી ગયાં છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા કેટલી ડસ્ટબીનની ખરીદી કરી છે? અને તેની સ્થિતી શું છે ? તે અંગે કમિશ્ર્નર પાસેથી વિગત માંગવામાં આવી છે.