બેઠકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે ઈન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકરને વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે. મંગળવારે રાત્રે ખડગેના ઘરે આયોજિત ઈન્ડિયા બ્લોકની બેઠક બાદ માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને ગૃહમાં વિપક્ષના નેતા બનાવવા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકરને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે.
તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની સર્વાનુમતે માગ કરવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. લોકસભામાં વિપક્ષના નેતા માટે તેમના નામનો પ્રસ્તાવ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાસે આ અંગે વિચારવા માટે થોડો સમય માંગ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમની શરૂૂઆતની ટિપ્પણીમાં કહ્યું, ‘હું તમારું ધ્યાન એ હકીકત તરફ દોરવા માંગુ છું કે જ્યાં પણ ભારત જોડો યાત્રા નીકળી છે ત્યાં અમે કોંગ્રેસ પાર્ટીની મત ટકાવારી અને બેઠકોની સંખ્યામાં વધારો જોયો છે. વિપક્ષના નેતા સંસદમાં વિપક્ષનો ચહેરો હોવાની સાથે કેટલીક મહત્ત્વપૂર્ણ કમિટીમાં હોય છે.
CBI-ED ઉપરાંત, તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓના નિર્દેશકોની પસંદગીની પ્રક્રિયામાં પણ સામેલ હોય છે. આ સિવાય સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, ઇન્ફોર્મેશન કમિશનર અને લોકપાલની નિમણૂકમાં વિપક્ષના નેતાનો અભિપ્રાય લેવામાં આવે છે. વિપક્ષના નેતા પાસે શેડો કેબિનેટ પણ હોય છે, જેથી જો સરકાર પડી જાય તો વિપક્ષ પાસે તમામ હોદ્દા સંભાળી શકે તેવા નેતાઓ તૈયાર હોય. એટલા માટે બ્રિટિશ વિદ્વાન આઈવર જેનિંગ્સે વિપક્ષના નેતાને વૈકલ્પિક વડાપ્રધાન ગણાવ્યા છે.
- Advertisement -
વિપક્ષના નેતાને મળતી સુવિધાઓ
વિપક્ષના નેતાનું પદ કેબિનેટ મંત્રીની સમકક્ષ હોય છે. તેમને કેન્દ્રીય મંત્રી જેટલો પગાર, ભથ્થાં અને અન્ય સુવિધાઓ મળે છે. કેબિનેટ મંત્રીની જેમ સરકારી બંગલો, ડ્રાઈવર સહિત કાર અને 14 લોકોનો સ્ટાફ મળે છે.