કિંમતી જમીન પર બાંધકામ કરી દસ્તાવેજ ઊભો કર્યો છતાં તંત્રની નોટિસ-નોટિસની રમત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ગૌચર જમીનો પર દબાણ સાથે અહીં ખેડૂત ખાતેદાર બનાવવા માટેનું પણ માસ મળતું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણની સાથે જ દસ્તાવેજ પણ ઊભો કરી દેવાયો અને અહીં પાક્કા બાંધકામ સાથે દુકાનો વેચી મારી ત્યાં સુધી તંત્રને જાણ સુધ્ધાં થઈ નહીં. આ પ્રકારનો કિસ્સો ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર હાઈવે પર આવેલા રાજસીતાપુર ગામના સામે આવ્યો છે.
- Advertisement -
જેમાં હાઇવે ટચ આવેલા રાજસીતાપુર ગામ નજીક પાંચ પીરની દરગાહ સામે સરકારી જમીન પર પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટી દ્વારા એવું કૌભાંડ આચર્યું કે ગામ બહાર હાઇવે પર રહેલી સરકારી જમીનને ચોપડા પર ગામતળ દર્શાવી આકરણી કરી એક ચોક્કસ વ્યક્તિના નામે હુકમ કર્યો જે બાદ જમીન પર પાક્કું બાંધકામ કરી દુકાનો ઉભી કરાઈ અને દુકાનો વેચી પણ મારવામાં આવી છે.
એટલું જ નહીં દુકાનો પાછળની ખુલ્લી જમીન પર મોબાઈલ ટાવર નાખવી હાલમાં દર મહિને 25થી 30 હજારનું ભાડું પણ મોબાઇલ ટાવર કંપની પાસે વસૂલવામાં આવી રહ્યું છે. આ અંગે જ્યારે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીને જાણ થઈ ત્યારે તુરંત મામલતદારને તપાસના આદેશ આપતા દુકાનદારોને નોટિસ પાઠવવાના આવી હતી જેના જવાબ સ્વરૂપે સરકારી જમીનનો ઊભો કરાયેલો દસ્તાવેજ પૂરવા સ્વરૂપે મામલતદાર સામે મૂકવામાં આવ્યો હતો જોકે બાદમાં સતત રજૂઆતો બાદ મામલતદાર દ્વારા આખોય મુદ્દો માર્ગ મકાન વિભાગના શિરે ઓઢાડી દેવામાં આવ્યો હતો અને હવે મામલતદાર તથા માર્ગ મકાન વિભાગ કાર્યવાહી કરવા માટે એક બીજાને ખો આપી રહ્યા છે. ત્યારે આ તરફ સરકારી જેકબ પર કરેલ કૌભાંડ ખુલે તે પૂર્વે અન્ય ગેરકાયદેસર દબાણોની અરજી આપવી આખાય મુદ્દાને ભટકાવવા પ્રયત્નો કરાયા હતા જેમાં કેટલાક અંશે સફળ રહ્યા હોવાનું પણ નજરે પડે છે કારણ કે આ અરજી બાદ આજદિન સુધી પાંચ પીરની દરગાહ સામે સરકારી જમીન પર કરેલ દબાણ અને ઊભા કરેલા દસ્તાવેજ મામલે કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી તંત્ર પણ સચોટ અને તટસ્થ કામગીરી કરવામાં ઢીલી નીતિ અજમાવતા હોવાનું સામે આવ્યું છે.