શંકાસ્પદ દસ્તાવેજ રજૂ કર્યા બાદ તંત્રની ઉંડાણપૂર્વક તપાસમાં ઢીલાશ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર હાઈવે ટચ જમીન પર દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરી વેચાણ કરવાના આખાય કૌભાંડનો “ખાસ-ખબર” દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો હતો જેમાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર રાજસીતાપુર ગામ નજીક પાંચપીરની દરગાહ સામે આવેલી સરકારી જમીન પર ગ્રામ પંચાયતના હોદેદારો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દુકાનોનું પાકું બાંધકામ કરી ઊભું કર્યું હતું આ ભૂમાફિયાઓ દ્વારા દુકાનોની સાથે જમીનના દસ્તાવેજી પુરાવા ઊભા કરી મોબાઈલ ટાવર પણ નાખવી દર મહિને આશરે 20થી 25 હજાર રૂપિયા જેટલું ભાડું પણ લેવામાં આવતું હતું જે અંગે “ખાસ-ખબર” દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરતા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા મામલતદારને તપાસના આદેશ આપતા દશ દિવસમાં આ પાક્કું બાંધકામ ધરાવતા ઇસમોને નોટિસ આપી જગ્યા અંગે પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું જોકે દશ દિવસ પૂર્ણ થાય તે પૂર્વે જ ધ્રાંગધ્રા મામલતદાર કચેરી ખાતે જગ્યાનો દસ્તાવેજ પણ રજૂ કરાયો.
- Advertisement -
પરંતુ આ દસ્તાવેજમાં ક્યાંય સર્વે નંબરની ઉલ્લેખ ન હતો માત્ર આકરણી નંબર થકી ગ્રામ પંચાયતના હોદ્દેદાર દ્વારા તલાટીને સાથે રાખી દસ્તાવેજ ઊભો કરી સરકારી જમીનને પચાવી પાડવાનું આખુંય ષડયંત્ર હોવાનું સ્પષ્ટ થયું હતું જોકે હજુ સુધી સ્થાનિક તંત્રને દસ્તાવેજ રજૂ કરવા છતાંય કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. જેથી તંત્ર દ્વારા આ આખાય મામલાને ઠારે પાડવા માટે માથામાં કરી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ આ પ્રકારે હાઈવે ટચ કિંમતી સોનાની લગડી માફક જમીનને પચાવી પાડવા માટે દસ્તાવેજ ઊભો કરી બેખોફ પણે કચેરીમાં અધિકારી સમક્ષ રજૂ કરતા તંત્રના અધિકારી રાજકીય દબાણ અથવા અન્ય અધિકારી દ્વારા આ કૌભાંડના સામેલ હોય તેને છુપાવવાના લીધે પગલાં ભરવામાં પાછી પાની કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.



