ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ભાજપ લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિલ દેસાઈની ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સંયોજક એડવોકેટ જે. જે. પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે વિચાર વિમર્શ બાદ આ નિર્ણય લેવાયો છે. તેઓએ તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ સહ સંયોજક દિલીપભાઈ પટેલે પાર્ટીના આદેશ અને નિર્ણયોનું પાલન નહી કરતા શિસ્તભંગ બદલ બંને સ્થાનો ઉપરથી દૂર કરવાનો નિર્ણય પણ કર્યો હતો.
એડવોકેટ દેસાઈ રાજકોટની એ.એમ. પી. લો કોલેજમાંકાયદાનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટના 1984થી રાજકોટના સિનિયર એડવોકેટ અને પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર (ઉૠઙ) મનુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વકીલાતના વ્યવસાયમાં જોડાયા હતા. 1991થી સ્વતંત્ર રીતે સિવિલ-ક્રીમિનલ કાયદામાં તેમની ખ્યાતિ દિનપ્રતિદિન વધી હતી. 1998માં ગુજરાત સરકારે દેસાઈની રાજકોટ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર(ઉૠઙ)તરીકે નિયુક્તિ કરેલી હતી.