શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને અપાયુ આવેદન
પોલીસ તંત્ર ક્રાઈમ કંટ્રોલ કરવામાં નિષ્ફળ, અઠવાડિયામાં છ હત્યાથી શહેરમાં ભયનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધતા ગુનાખોરીના બનાવોને પગલે શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને કાયદો અને વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે રાજકોટ જેવું રંગીલું અને શાંત ગણાતું શહેર છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના ત્રાસમાં ગરકાવ થઈ ગયું છે. ખાખીનો ખોફ ઓસરી ગયો છે. સામાન્ય બાબતે અથડામણો, ફાયરિંગ અને હત્યાઓ હવે રોજિંદી બની રહી છે. શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન માત્ર એક અઠવાડિયામાં છ હત્યાના બનાવોથી નાગરિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. તાજેતરમાં મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી. આ ગેંગ અગાઉ પણ પોલીસ ચોપડી ચડી ચૂકી છે છતાં કોઈ કડક કાર્યવાહી ન થતા ગુનાખોરીને પ્રોત્સાહન મળ્યું છે. પોલીસ પેટ્રોલિંગ અને નાઈટ પેટ્રોલિંગ ફક્ત કાગળ ઉપર જ ચાલી રહ્યું છે. શહેરમાં ચોરી, લૂંટ, દારૂના અડ્ડા, સ્પાના નામે ચાલતા કુટણખાનાં અને હપ્તાખોરી જેવા ગુનાઓ સતત વધી રહ્યા છે. કોંગ્રેસે આ પરિસ્થિતિ માટે આરોપ મૂક્યો છે કે રાજકોટ પોલીસ તંત્ર ક્રાઈમ કંટ્રોલ કરવામાં નિષ્ફળ પુરવાર થયું છે.
દારૂના હાટડાઓ ગુનાખોરીના કેન્દ્રબિંદુ બની ગયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. દેશી અને વિદેશી દારૂના ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. પોલીસની મીઠી નજર હેઠળ આવા ગેરકાયદે ધંધા ચાલે છે અને એ ગુનાખોરીના હબ બની રહ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાએ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઠેરઠેર ટ્રાફિક જામ, રોડ સલામતીનો અભાવ અને રાત્રીના સમયના બેદરકાર વાહનચાલકો સામે કાર્યવાહી ન થવાના કારણે જનતામાં નારાજગી જોવા મળી રહી છે. શહેર કોંગ્રેસના ડો. રાજદીપસિંહ જાડેજા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, નરેન્દ્ર સોલંકી, ડો. હેમંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, મહેશભાઇ રાજપૂત, અતુલ રાજાણી, ડી.પી. મકવાણા, સંજય આજુડિયા, દીપ્તિ સોલંકી, વૈશાલી શિંદે, આદિત્યસિંહ ગોહિલ, હરપલસિંહ જાડેજા, મુકુંદભાઇ ટાંક અને રવિ જીત્યા સહિતના અનેક કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ માંગણી કરી છે કે જે પોલીસ મથકના તાબામાં ગુનાખોરી વધી રહી છે, તે મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ પગલાં લેવાં જોઈએ.



 
                                 
        

 
         
        