ગુજરાતમાં જ્યારે મતદાન મહાપર્વ આવી રહ્યું છે ત્યારે ગુજરાત અને રાજકોટની જનતા મહત્તમ મતદાન કરી રાષ્ટ્રધર્મ નિભાવવાની સાથે યોગ્ય સમજ કેળવે એવા આશયથી રાજકોટ ખાતે વોટમેક્સ કેમ્પેનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્ઞાતિવાદ અને જાતિવાદથી દૂર રહી રાષ્ટ્ર નિર્માણ માટે વધુમાં વધુ મતદાન માટે લોકોને જાગૃત કરવા, મતદાન કરવું અને કરાવવું એ કેમ્પેનનું નામ છે- ‘વોટમેક્સ.’
રાજકોટ ખાતે એક વિશેષ મિટીંગનું આયોજન થયું ત્યારે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લઈ મત વ્યક્ત કર્યો કે લોકશાહીના આ મહાપર્વની ઉજવણી માટે મેક્સિમમ વોટીંગ માટે સહિયારો પુરુષાર્થ કરીએ એ પણ આપણો સમાજધર્મ, નાગરિકધર્મ અને રાષ્ટ્રધર્મ છે. આ મિટીંગમાં પ્રતિનિધિઓએ મતદાન માટે પ્રચાર સામગ્રી તૈયાર કરી આડોશપાડોશમાં આપી જાગૃતતા લાવવી, આ અભિયાનમાં વિશેષ જાગૃતિ લાવવા જે તે વિસ્તારની મહિલાઓને સામેલ કરી મહત્તમ પ્રચાર અને પ્રસાર કરવો, વ્યક્તિગત મુલાકાત, સોશ્યલ મીડિયા, વિડીયો, ફોટા, ઈમેજનો હેશટેગથી પ્રચાર કરવો એવું નક્કી થયેલ.
- Advertisement -
યુવા વર્ગ જે વોટર છે તેનું વોટિંગ વધારવા સ્કૂલ-કોલેજ અને યુનિવર્સિટીને સાથે રાખી વોટીંગ અવરનેશ સંબંધિત વિવિધ સ્પર્ધા અને પ્રવૃત્તિઓ સાથે સેમિનારનું આયોજન કરી સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવાની સાથે મતદાન સંકલ્પ પત્ર મેળવી વોટીંગ અવેરનેસ વધારવા પ્રયત્ન શરૂ કર્યા છે.
આ ઉપરાંત શેરી નાટક દ્વારા જાગૃતિ લાવવી, પ્રેસ મીડિયા દ્વારા જાગૃતિ અને કુરિયરના કવર પર રાષ્ટ્ર હિતમાં મતદાન, 100% મતદાન એવો રબર સ્ટેમ્પ લગાવવો જેથી વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર ઘર ઘર સુધી પહોંચે અને મહત્તમ મતદાન થાય એવા દૃઢ સંકલ્પ સાથે વોટમેક્સ અભિયાનનો રાજકોટ ખાતે એક નવતર અને અનુકરણીય પ્રયાસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વોટમેક્સના કાર્યકર્તાઓએ પ્રેસની મુલાકાત લઈ આ અભિયાનમાં પ્રિન્ટ મીડિયાને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવેલ છે. હોટલ, મોલ, મંદિર, સ્કૂલ, કોલેજ, લગ્ન સમારંભ, જાહેર સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવશે.
આ અંગે ડેનીસભાઈ આડેસરા, ગૌતમભાઈ ધમસાણીયા, મંગેશભાઈ દેસાઈ, તુલસીભાઈ પટેલ, ડો. શાંતનુભાઈ જીવાણી, ડો. પનારા, શશીભાઈ શાહ, મહેશભાઈ શેઠ, જેન્તીભાઈ સુદાણી, વિક્રમસિંહ પરમાર વગેરેએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લીધી હતી.