રામમંદિર ખાતે કાર્યક્રમ યોજાયો: 85 ખાતમુહૂર્ત, 90 કામનું લોકાર્પણ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 23 વર્ષના સફળ, સક્ષમ અને સમર્થ નેતૃત્વની તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિકાસના એક નવા સોપાન તરીકે રામમંદિર ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રૂ.32 કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોનો ઈ-ખાતમુહૂર્ત અને ઈ -લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
કલેક્ટરના હસ્તે જિલ્લાના રૂ.11.75 કરોડના ખર્ચે 85 ઈ-ખાતમુહૂર્ત અને રૂ.20.23 કરોડના ખર્ચે 90 વિવિધ કામનું ઈ-લોકાર્પણ થયું હતું. જેમાં રૂ.1.39 કરોડના ખર્ચે સોમનાથ વિધાનસભા વિસ્તારના 24 કામ, રૂ.5.4 કરોડના ખર્ચે તાલાલાના 67 કામો, રૂ.10.75 કરોડના ખર્ચે કોડીનારના 33 કામો અને રૂ.14.44 કરોડના ખર્ચે ઉના વિધાનસભા વિસ્તારના 51 વિવિધ કામોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક પ્રજાલક્ષી વિકાસ કાર્યોની રાજ્યને ભેટ આપી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકલક્ષી અભિગમ અપનાવીને ગુજરાતના સર્વાંગી વિકાસ માટેના ભગીરથ પ્રયાસો કર્યા છે. જેના કારણે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે.
- Advertisement -
હમીરજી ગોહિલ સર્કલથી રામ મંદિર સુધી વિકાસ પદયાત્રા
’વિકાસ સપ્તાહ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હમીરજી ગોહિલ સર્કલથી રામ મંદિર સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.ઢોલ-નગારાના ગગન ગજાવતા નાદ અને શરણાઈના કર્ણપ્રિય સુરો રેલાવતી આ પદયાત્રા હમીરજી ગોહિલ સર્કલથી શરૂ કરી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર,
શ્રી ડોંગરેજી મહારાજ સ્થાપિત અન્નક્ષેત્ર, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન, સમુદ્ર દર્શન પથથી રામ મંદિર સુધી પહોંચી હતી.