મનોદિવ્યાંગ બાળકો માટે મેડિકલ ચેકઅપ, રમતગમત અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો હસમુખો ચહેરો અને દયાળુ આત્મા કાયમ સ્મરણમાં રહેશે. હૃદયસ્થ વિજયભાઈને બાળકો ખૂબ પ્રિય હતા અને તેમાં પણ ખાસ કરીને મનોદિવ્યાંગ બાળકો ઉપર અપાર સ્નેહ વરસાવતા હતા. તેમના આ માયાળુ સ્વભાવ અને સેવાકાર્યોને ધ્યાનમાં રાખીને પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રૂપાણી પરિવાર દ્વારા આ વખતે કાલાવડ રોડ, અવધ માર્ગ ઉપર આવેલી સિઝન્સ હોટલ ખાતે ‘વિજય વ્હાલ સંગમ’ કાર્યક્રમ યોજાયો હતો. મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે વિજયભાઈ અપાર લાગણી ધરાવતા હતા. તેમની લાગણી હૃદયમાં રાખી ‘વિજય વ્હાલ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. સાથેસાથે તેમના આરોગ્યની તપાસણી માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટના નામાંકિત ડોકટર્સ ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન અંતર્ગત ઓર્થોપેડીક ડો. ભાવિન ગંગાજળિયા, ડો. જીત ગાંધી, એમ.ડી. ફિઝિશિયન ડો. રિદ્ધિ મહેતા, ડો. રૂપાલી મહેતા, ડો. રાજીવ મિશ્રા, બાળરોગ નિષ્ણાંત ડો. નિખિલ શેઠ, ડર્મેટોલોજીસ્ટ ડો. ચેતન લાલસેતા, ડો. એશ્ર્વર્યા ગજ્જર, કાન-નાક-ગળા નિષ્ણાંત ડો. વૈભવ વાપલિયા, દંતરોગ નિષ્ણાંત ડો. બિંદન શાહ, ડો. સેજલ શાહ તથા ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ કોલેજ તથા આર્યવીર હોમિયોપેથીક તથા એચ. એન. શુક્લા હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો, મેડિકલ ઓફીસર્સ, નર્સિંગ સ્ટાફ તથા ફાર્મસીમાં મયુરસિંહ જાડેજા, સત્યેનભાઈ પટેલ અને તેમની ટીમે માનદ્ સેવાઓ આપી હતી.
- Advertisement -
કેમ્પમાં તમામ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ સાથે રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના સહયોગથી દર્દી વિકલાંગ બાળકોને દવા પણ આપવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ કેમ્પ બાદ બાળકોના મનોરંજન માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વમેયર બીનાબેન આચાર્ય, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, બીજેપી પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, આર. સી. ફળદુ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડો. માધવ દવે, મનીષભાઈ રાડીયા, નેહલભાઈ શુક્લ, કેતનભાઈ, અલ્પેશભાઈ મોરઝરીયા, શિલ્પાબેન શાહ, પરેશભાઈ હુંબલ, કાશ્મીરાબેન નથવાણી, નરેશભાઈ પટેલ, કશ્યપભાઈ શુક્લ ઉપરાંત જાણીતા શિક્ષણવિદ્ રશ્મિકાંતભાઈ મોદી, કૃષ્ણકાંતભાઈ ધોળકિયા સહિતના આ કાર્યક્રમમાં પધારી આશીર્વચન પાઠવ્યા હતા.