2000 ટૂરિસ્ટ ફસાયા: CM મમતા આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે
1998 પછી પહેલીવાર 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો: દાર્જિલિંગ અને કુર્સિયાંગ વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તૂટી ગયો, ટ્રેનો પણ રદ્દ કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પશ્ર્ચિમ બંગાળના દાર્જિલિંગમાં શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે. તેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે, ઘણા ઘરો કાટમાળમાં તણાઈ ગયા છે.
દાર્જિલિંગ અને સિક્કિમ વચ્ચેનો રોડ સંપર્ક દેશના બાકીના ભાગથી કપાઈ ગયો છે. પ્રવાસન મોસમ દરમિયાન 2,000થી વધુ પ્રવાસીઓ દાર્જિલિંગ અને સિક્કિમમાં ફસાયેલા છે.
દાર્જિલિંગ, જલપાઈગુડી, કૂચ બિહાર, કાલિમપોંગ અને અલીપુરદ્વાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.
દાર્જિલિંગ અને કુર્સિયાંગ વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તૂટી પડ્યો છે. મિરિક અને દુધિયા નજીક લોખંડનો પુલ તૂટી પડવાથી દાર્જિલિંગથી સિલિગુડી જતો વૈકલ્પિક માર્ગ પણ બંધ થઈ ગયો છે. અલીપુરદુઆરમાં રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ત્રણ ટ્રેનો રદ કરવામાં આવી છે. દાર્જિલિંગ અને કાલિમપોંગમાં ચાના બગીચાઓ પાણીમાં ડૂબી ગયા છે.
દાર્જિલિંગ અને અન્ય જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 16 ઇંચ વરસાદ પડ્યો છે. સ્થાનિક લોકો કહે છે કે 1998 પછી આટલો વરસાદ પહેલી વાર પડ્યો છે. જલદાપરાના મિથુન સરકાર કહે છે કે રવિવાર બપોર સુધી બચાવ ટીમો ઘણા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ન હતી. સ્થાનિક લોકો પોતાની રીતે મદદ કરી રહ્યા છે.