મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી
હળવદના દિવ્યાંગ બાળકોએ બનાવેલા 250 કોડિયાનું સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં વિતરણ કરી ’સ્વદેશી અપનાવો’ સૂત્રને વેગ આપ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી, માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દિવાળીના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ક્લબે હળવદ ખાતે આવેલી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓની પ્રવૃત્તિને વેગ આપવા માટે તેમને રૂપિયા 13,000નું અનુદાન આપ્યું હતું.
આ દિવ્યાંગ બાળકોએ બનાવેલા લગભગ 250 જેટલા કોડિયાનું ક્લબ દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને કાર્યકરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
આ રીતે ઘરે ઘરે સેવા રૂપી જ્યોત ઉજાગર કરીને ક્લબે વડાપ્રધાન મોદીના ’સ્વદેશી અપનાવો’ સૂત્રને વેગવંતુ બનાવ્યું હતું. ક્લબના આ પ્રેરણાદાયી કાર્યની મોરબી શહેરમાં ખૂબ સારી નોંધ લેવાઈ હતી અને સિવિલ હોસ્પિટલના તમામ કાર્યકરોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબ દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ક્લબના પ્રેસિડન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ પણ તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.