મોરબી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના રાજકોટ શિક્ષણ સમિતિની શાળાઓમાં બનવાની જોવાતી રાહ
ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમારને હરવા-ફરવા ને પૈસા કટકટાવવામાં જ રસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી સહિત મોટાભાગની શાળામાંઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સાથે સુરક્ષાના સાધનોનો અભાવ છે. મોરબી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના રાજકોટ શિક્ષણ સમિતિની કચેરી સહિત શાળાઓમાં બનવાની જાણે રાહ જોવાતી હોય એમ અહીં જર્જરિત થઈ ગયેલી કચેરી તેમજ શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. આગ ઠારવાની બોટલનું રીફલિંગ કરવામાં આવ્યું નથી. દીવાલો પરથી પોપડા ખરી ગયા છે. કેટલીક શાળાઓમાં તો પીવાના પાણી, સંડાસ-બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી ત્યારે સુરક્ષાના સાધનોથી લઈ સીસીટીવી કેમેરા તો બહુ દૂરની વાત છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શિક્ષણ સમિતિની કચેરી તેમજ શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉપરાંત સુરક્ષાના સાધનોના અભાવ મામલે શાળાના આચાર્યો, શિક્ષકો, વાલીઓ દ્વારા વારંવાર ચેરમેન અને શાસનાધિકારીને લેખિત તથા મૌખિકમાં જાણ કરવામાં આવી છે આમ છતાં ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારને માત્ર પોતાની સુખ-સુવિધા વધારવામાં અને હરવા-ફરવા ને પૈસા કટકટાવવામાં જ રસ છે. શિક્ષણ સમિતિમાં કૌભાંડો કરી કેમ રૂપિયા બનાવી શકાય એના સિવાય થોડું ધ્યાન સરકારી શાળાઓના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પાયાથી લઈ સલામતિની સુવિધાઓ આપવામાં ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર આપશે તો રાજકોટ કોર્પોરેશન અને ભાજપની આબરુનું ધોવાણ થતું તો અટકાવી જ શકાશે સાથોસાથ કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકી જશે.
ઝૂલતા પુલની જેમ પંડિત-પરમારે પણ સરકારી શાળાઓનું ખાનગીકરણ કરી ઘોર ખોદી છે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટાભાગની શાળાઓ ખાનગી ટ્રસ્ટને સોંપી ઝૂલતા પુલની જેમ ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમારે પણ સરકારી શાળાઓનું ખાનગીકરણ કરી ઘોર ખોદી છે. પંડિત-પરમારે માત્ર એક કાગળ પર એમઓયુ કરીને ખુદને અને પોતાના જાણીતાઓને લાભ ખટાવવા માટે શહેરના પોશ એરિયામાં આવેલી સરકારી શાળાનું સંચાલન ખાનગી ટ્રસ્ટને સોંપ્યા બાદ આ શાળાઓમાં શું-શું થઈ કે ચાલી રહ્યું છે એ જગજાહેર બાબત છે. ઝૂલતા પુલની જેમ સરકારી શાળાઓનું સુકાન ખાનગી ટ્રસ્ટને સોંપ્યા બાદ ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી આ શાળાઓમાં ધ્યાન દેવાનું, તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું કે પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું જ બંધ કરી દીધું છે. ખાનગી ટ્રસ્ટ દ્વારા પણ સરકારી શાળાઓનું સંચાલન બરાબર થઈ રહ્યું નથી ત્યારે આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ કંટાળીને શિક્ષણથી વિમુખ થઈ રહ્યા છે.
ભગવાન ભરોસે ચાલતી શિક્ષણ સમિતિના કૌભાંડો મામલે ભરોસાની ભાજપ સરકારનું ભેદી મૌન
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન પદેથી અતુલ પંડિત અને શાસનાધિકારી પદેથી કિરીટ પરમારે પોતાના મળતીયાવ સાથે કરેલા વિવિધ કૌભાંડો મામલે શહેર ભાજપથી પ્રદેશ ભાજપે હજુ સુધી મૌન સેવી રાખ્યું છે. ભગવાન ભરોસે ચાલતી શિક્ષણ સમિતિમાં ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમારે કરેલા કૌભાંડો મામલે ભરોસાની ભાજપ સરકારનું ભેદી મૌન કેટ-કેટલાંય શંકા અને સવાલો ઉભા કરી રહ્યું છે.