સિવિલ હૉસ્પિટલમાં સફાઈ, ગંદગી, શૌચાલય સહિતની બાબતોમાં ખામીઓ
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નિદ્રાધિન અવસ્થામાં ?
- Advertisement -
જનતાની પ્રાથમિક જરૂરિયાત આરોગ્ય મંદિરમાં પણ બેદરકારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢમાં કરોડો રૂપિયાના ખર્ચ સિવિલ હોસ્પિટલ બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી છે પરંતુ છાશવારે અનેક કિસ્સાઓ બહાર આવે છે. તાજેતરમાં ગત રાત્રીના ખાસ ખબર પ્રતિનિધિ દ્રારા આકસ્મિક સીવિલ હોસ્પીટલની મુલાકાત લેવાય ત્યારે ચોકવનારી વિગતો બહાર આવી હતી.
અનેક યોજનાઓ સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં સ્વચ્છ ભારતનું દીવા સ્વપ્નનું રહી જાય તેવા પુરાવા મળી રહ્યા છે. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલના પાંચમા માળે આવેલ વોર્ડ નંબર 507માં અત્યંત બેદરકારી સામે આવી રહી છે ત્યારે મહિલાઓ અને પુરુષો વચ્ચે કોમન વોર્ડમાં મહિલા માટે ટોયલેટ તો છે પરંતું હાથ મોઢું અને વાસણ સાફ કરવાની ગેંડી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે તો ગંદકીનું સામ્રાજય પણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ પુરુષો માટે ટોઇલેટ તો છે પરંતુ તેમાં અલીગઢી તાળા લટકી રહ્યા છે ત્યારે દર્દીઓને વોર્ડ બહાર જવું પડે તેવી માનવસર્જિત પરિસ્થિતિ સર્જાઈ છે.
સિવિલ હોસ્પિટલમાં મહત્વનુ છે કે ઓકસીજન માટે વપરાતા ફ્લોમીટરમાં પણ લિલ અને ફૂગ જોવા મળી રહી છે ત્યારે ઈમરજન્સી સમયે દર્દીઓનાં સ્વાસ્થ્યનું શુ થતું હશે ! બીજી તરફ સિવિલમાં તમાકુ, બીડી, ગુટખા સહીત પાન મસાલા પર પ્રતિબંધ છે તો એક તરફ તંત્ર દ્વારા તમાકુ પ્રતિબંધ કાયદા મુજબ દંડ વસૂલવામાં આવી રહયો છે. છતાં પણ વોર્ડમાં તમાકુનાં પેકેટ રખડતા જોવા મળે છે તો બીજી તરફ બારીઓ પર પણ પાન માવાની પિચકારીઓ થી દીવાલો, ટોયલેટ બ્લોક સહીત જગ્યા સુશોભિત થયેલ જોવા મળી રહી છે.
- Advertisement -
ત્યારે સવાલ એ ઊભો થયો છે કે જુનાગઢના નેતાઓ એકવાર ચૂંટ્યા બાદ શા માટે નિદ્રાધિન તંત્ર સાથે પોતે પણ ભૂલી ગયા હશે કે જનતાની પ્રાથમિક જરૂરિયાત આરોગ્ય છે. આખરે સરકારનો તગડો પગાર લેતા સરકારીબાબુઓને એ ભાન કયારે આવશે કે દર્દીઓ અહીં મજબૂરીથી આવતા હોય છે કારણ કે હોસ્પીટલએ બગીચો નથી અને હોસ્પિટલમાં રોકાવાનો કોઈને પણ શોખ ન હોય.
હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના પરિવાર માટે હોસ્પિટલ સતાધીશો દ્વારા અલગ અલગ પ્રકારના પાસ બનાવવામાં આવ્યા છે. જેમાં મુલાકાતી માટે અલગ કલરનો પાસ તેની સાથે દર્દી સાથે 24 કલાક રહેવા માટેનો પાસ બનાવવામાં આવ્યા છે. જેમાં મુલાકાત માટે 11 થી 1 અને સાંજે 5 થી 9 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. છતા પણ આજે સિવિલ હોસ્પિટલમાં હજુ સફાઇ ગંદકી તેમજ ટોઇલેટ બ્લોક સાથે તમાકુ પ્રતિબંધિત ચીજવસ્તુઓ જોવા મળી રહી છે. જે બાબતે સત્વરે કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠી છે.
સિવિલ હૉસ્પિટલમાં મોડી રાત્રીના પોલીસનું પેટ્રોલિંગ શરુ : પોલીસ ચોકી પણ કાર્યરત
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી અનેક બનાવો સામે આવ્યા જેમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.જેમાં સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર પર હુમલો તેમજ સિક્યુરિટી ગાર્ડ દ્વારા હોસ્પિટલમાં આરામ ફરમાવતા દર્દીના સગાને માર મારવાના બનાવ મામલે પોલીસે મોડી રાત્રીના ચેકીંગ શરુ કર્યું છે.તેની સાથે પોલીસ ચોકી પણ કાર્યરત કરી દેવામાં આવી છે ત્યારે ભવિષ્યમાં કોઈ બીજા બનાવ ન બને તેના માટે ખાસ રાત્રીના સમયે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.