સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતી દ્વારા દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો બનાવવાની માંગ કરતી અરજી પર નોટિસ જારી કરી છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતી દ્વારા દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો બનાવવાની માંગ કરતી અરજી પર નોટિસ જારી કરી છે. કોર્ટે આ અરજીને આ મામલે પેન્ડિંગ અન્ય અરજીઓ સાથે ટેગ કરી છે. હવે બધાને એકસાથે સાંભળવામાં આવશે. આ પહેલા ધાર્મિક નેતા દેવકિનંદન ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી.
- Advertisement -
દેવકિનંદન ઠાકુરે અરજી દાખલ કરેલી
ધાર્મિક નેતા દેવકિનંદન ઠાકુરે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે વધતી જતી વસ્તીને કારણે લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, દેશના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકોને સ્વચ્છ હવા, પાણી, ખોરાક, આરોગ્ય અને રોજગાર મેળવવાનો અધિકાર હોય તે ખૂબ જ જરૂરી છે.
2020માં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી હતી
2020માં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે પીઆઈએલ દાખલ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી હતી. અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યું હતું કે, વસ્તીનો વિસ્ફોટ બોમ્બ કરતાં પણ વધુ ઘાતક છે. આ કારણે શિક્ષિત, સમૃદ્ધ, તંદુરસ્ત અને સુવ્યવસ્થિત સશક્ત ભારતના નિર્માણના પ્રયાસો ક્યારેય સફળ નહીં થાય.
સરકારે આ અંગે વિચારણા કરી નથી
જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત આવતા વર્ષે ચીનને પાછળ છોડી દેશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જે બાદ દેશમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. એવી અટકળો હતી કે સરકાર વસ્તી નિયંત્રણ માટે કાયદો લાવી શકે છે. જો કે સરકારે કહ્યું હતું કે આ અંગે કાયદો લાવવા માટે કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી.