અંધેર શિક્ષણ સમિતિમાં પંડિત-પરમાર રાજા ને, વાલીઓ વિદ્યાર્થીઓ ગુલામ
અતુલ પંડિત અને કિરીટ હરિ પરમારના કાળા કારનામાનું વધુ એક જ્વલનશીલ ઉદાહરણ સામે આવ્યું
- Advertisement -
કોઠારિયાની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવાતાં વાલીઓ રોષે ભરાયા અને વિડીયો જોયા બાદ શાળાએ દોડી ગયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારના ભ્રષ્ટાચાર સાથે ત્રાસ દિન-પ્રતિદિન વધતા જ જાય છે. હાલમાં શિક્ષણ સમિતિ હેઠળ આવેલી એક ક્ધયા શાળામાં ચેરમેન અને શાસનાધિકારીની જાણમાં આચાર્ય અને શિક્ષકો માથે ઊભા હતા અને વિદ્યાર્થિનીઓ મજૂરીકામ કરતી હોવાનો વીડિયો ફરતો થયો છે. ગત રોજ રાજકોટ શિક્ષણ સમિતિના કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર ક્ધયાશાળામાં વિદ્યાર્થિનીઓ પાસે સ્કૂલ કેમ્પસમાં રહેલી ઇંટો અને બ્લોક ઉપડાવતા હોવાનો વીડિયો ફરતો થતા વિવાદ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આચાર્ય અને શિક્ષકો પણ માથે ઊભા છે અને વિદ્યાર્થિનીઓ ઈંટ અને બ્લોકના ફેરા કરી રહી છે. નાની નાની બાળકીઓ પાસે આ શાળામાં ચાલી રહેલા ચણતરનું મજૂરીકામ કરાવવામાં આવતા વાલીઓ પણ રોષે ભરાયા હતા અને વીડિયો જોયા બાદ શાળાએ દોડી ગયા હતા અને માથાકૂટ થઈ હતી. જોકે આ સમગ્ર મામલામાં જવાબદાર એવા શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર સહિત શાળાના આચાર્ય પર કોઈ પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી. શિક્ષણ સમિતિમાં ચાલતાં ગેરવહીવટોની તપાસનું માત્ર નાટક જ કરવામાં આવશે કે ડેપ્યુટી મ્યુ. કમિશનર આશિષકુમારથી લઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર આ ગંભીર ઘટના મામલે નક્કર પગલાં લેશે? તેવો સવાલ શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યો છે.
- Advertisement -
શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારના કૌભાંડો જગજાહેર હોવા છતાં હજુ સુધી તેમની પર શિક્ષણવિભાગમાંથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હાલમાં જ શિક્ષણ સમિતિની ક્ધયાશાળાની લગભગ 25થી વધુ બાળાઓને શાળામાં ચાલી રહેલા ચણતર કામ માટે ઈંટ અને બ્લોક ઉપાડવાનું કામ કરાવતા વિવાદ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાળાઓ વજનદાર બ્લોક ઉપાડીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ રહી છે, કેટલીક બાળાઓ એકબીજીને બ્લોક પાસ કરી રહી છે. ચેરમેન, શાસનાધિકારી, આચાર્ય અને શિક્ષકોનું કામ વિદ્યાર્થિનીઓને ભણાવવાનું છે કે તેમની પાસે મજૂરી કરાવવાનું? હવે શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાંથી બહાર આવી જવાબદારો પર કડક કાર્યવાહી ક્યારે કરશે એ જોવું રહ્યું.
કોઠારિયાની શાળામાં છાત્રો પાસે શિક્ષકો દ્વારા મજૂરીકામ કરાવાયું તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…